ચૂંટણી સમયે ગુજરાતના રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પર NCPમાંથી કાંધલ જાડેજાએ રાજીનામું આપી દીધુ છે. કાંધલ જાડેજા 2012માં NCPમાં જોડાયા હતા. કુતિયાણા બેઠક પરથી NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતાં કાંધલ જાડેજાએ રાજીનામું આપવા અંગે નિર્ણય લીધો હતો. કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય રહી ચુક્યા છે.
કાંધલે NCPને રામ-રામ કર્યા
કાંધલ જાડેજાએ પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને પત્ર લખી રાજીનામું મોકલી આપ્યુ છે. રાજીનામું આપતા કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે, 2012થી આજ દિવસ સુધી નેશનલ કોંગ્રસ પાર્ટીના 84- કુતિયાણા વિધાનસભા સીટ પર ધારાસભ્ય પદે ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત 2014માં નેશનલ કોંગ્રસ પાર્ટીના બેનર પર લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતાં. 2012માં કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનથી ચૂંટાઈ આવેલાં હતાં. ત્યારબાદ 2017માં કોંગ્રેસ સાથે પાર્ટીએ ગઠબંધન ન કરવા છતાં ચૂંટાઈ આવેલા હતાં.
'વફાદાર રહ્યો છતાં ટિકિટ ન આપી'
વધુમાં કાંધલ જાડેજાએ કહ્યું હતું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી તરફથી 84-કૃતિયાણામાં ગઠબંધનના ગણી અને 2 ટર્મથી જંગી બહુમતિથી ભાજપ તથા કોંગ્રેસને હાર અપાવી નેશનલ કોંગ્રસ પાર્ટીની માત્ર એક જ બેઠક કુતિયાણાથી જીતી રેકોર્ડ બ્રેક સર્જ્યો હતો અને પાર્ટીને વફાદાર રહ્યો હતો. તેમછતાં મને પાર્ટી તરફથી 84-કુતિયાણા વિધાનસભાની ટિકિટ ન આપી. તેથી, હું પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી તથા સભ્ય પદેથી મારૂ રાજીનામું આપું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.