પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા અને વોર્ડના પ્રમુખ દેવદાસભાઈ ઓડેદરાએ કેન્દ્રીય રેલ્વેમંત્રી સહિતના સ્થાનિક સત્તાધીશોને રજૂઆત કરી છે કે પોરબંદર શહેરમાં કડિયા પ્લોટ થી ભદ્રકાળી મંદિર સુધીના રેલવે ફાટકો ટ્રેન અવરજવર અને શટિંગને કારણે દિવસ દરમિયાન 20 થી વધુ વખત બંધ થાય છે જેના કારણે લોકોના અગત્યનાં કામો અટકી જાય છે. કડિયા પ્લોટ રેલવે ફાટક, વીજ કચેરી પાસેનું ફાટક, ભદ્રકાળી રેલવે ફાટક, ઠક્કર પ્લોટ રેલવે ફાટક વગેરે રેલવે ફાટકો વારંવાર બંધ થતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઉદ્યોગનગરના કામદારો, વેપારીઓથી માંડી ઇમર્જન્સી માટેની ફાયર ફાઈટર કે એમ્બ્યુલન્સ વગેરે સમયસર પહોંચી શકતા નહીં હોવાથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે નગરપાલિકા આ સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રિજ કે અંડર પાસ બનાવવા માટે બજેટ નક્કી કરે છે પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી કરતી નથી જેને કારણે પરિસ્થિતિ વર્ષોથી યથાવત્ છે. આ સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ યોગ્ય આયોજન હાથ ધરવું જોઈએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.