વાવેતર:ચોમાસા પહેલાં જ 1205 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર કરાયું

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જીલ્લામાં ગત ચોમાસે સારો વરસાદ વરસ્યો હોવાને લીધે ચાલુ વર્ષે તળાવ, ચેકડેમમાં પાણીનો સ્ત્રોત હોવાથી ખેડૂતોએ ચોમાસા પહેલા જ આગોતરું વાવેતર કરી દીધું છે. જીલ્લામાં અત્યાર સુધીમાં 1205 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરાયું છે.

પોરબંદર જીલ્લામાં ગત વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડયો હતો અને ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડયો હોવાના કારણે ઉપરવાસનું પાણી પોરબંદર પંથકમાં આવી પહોંચ્યુ હતું. જેથી પોરબંદર જીલ્લાને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમો અને સિંચાઇનું પાણી પુરૂ પાડતા ડેમો છલોછલ ભરાઇ ગયા હતા. જેને પરિણામે પોરબંદર જીલ્લામાં હજુ સુધી પાણીનો સ્ત્રોત નાના મોટા ચેકડેમો અને તળાવોમાં પણ પુષ્કળ પ્રમાણમાં છે.

ખાસ કરીને અગાઉના વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે નાના-મોટા ડેમો અને તળાવોમાં પાણીનો સંગ્રહ વધુ માત્રામાં છે જેથી પોરબંદર જીલ્લામાં ખેડૂતોએ શિયાળુ પાકનું ઉત્પાદન મેળવ્યા બાદ હવે ખેતર તૈયાર કરીને આ પાણીના ભરોસે ઉનાળુ પાકનું વાવેતર કરવાનો પ્રારંભ કરી દીધો છે. ઉનાળુ પાકના વાવેતરમાં ખેડૂતોએ મગ, તલ, અડદ, શાકભાજી, ચોળી સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે ત્યારે પોરબંદર જીલ્લામાં અત્યાર સુધીમાં 1205 હેકટર જમીનમાં વાવેતર ખેડૂતોએ કર્યુ છે.

ચાલુ વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન નાના મોટા ચેકડેમો અને તળાવોમાં સારી માત્રામાં પાણીનો સંગ્રહ થયો હોવાથી ખેડૂતો વધુ માત્રામાં ઉનાળુ પાક વાવેતર કરે તેવી ધારણા છે. હાલ જીલ્લાભરમાં મોટાભાગના વિસ્તારોમાં તળાવો અને ડેમો પાણીથી તરબોળ છે, અગાઉના વર્ષોની વાત કરીએ તો ઉનાળાની ઋતુ દરમિયાન પાણી તળાવો અને ડેમોમાં સુકાઈ જતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઉનાળામાં વધુ પ્રમાણમાં જળ સ્ત્રોત તળાવ ડેમોમાં હોવાથી ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે.

ગયા વર્ષે 13378 હેક્ટરમાં થયું હતું ઉનાળુ પાકનું વાવેતર
પોરબંદર જીલ્લામાં ગયા વર્ષની વાત કરીએ તો ઉનાળુ પાક વાવેતર 13378 હેક્ટરમાં નોંધાયું હતું. જેમાં સૌથી વધુ એટલે 6160 હેક્ટરમાં મગનું વાવેતર થયું હતું. અને તલનું વાવેતર 2600 હેક્ટર, તેમજ ઘાસચારનું વાવેતર 2800 હેક્ટરમાં થયું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે ઉનાળુ પાક વાવેતરનો પ્રારંભ થયો છે ત્યારે વધુ માત્રામાં વાવેતર થાય તેવી ખેડૂતોની ધારણા છે.

અત્યાર સુધીમાં કયા પાકનું કેટલું વાવેતર થયું ?
ખેડૂતોએ ઉનાળુ ઋતુમાં પાક વાવેતરનો પ્રારંભ કરી દીધો છે. શિયાળુ પાક ઉત્પાદન સમેટાયા બાદ ખેડૂતો ખેતર તૈયાર કરી ઉનાળું વાવેતર કરી રહ્યાં છે. જીલ્લાભરના કુતિયાણા તાલુકામાં 35, પોરબંદર તાલુકામાં 770 તથા રાણાવાવ તાલુકામાં 400 હેકટર જમીનમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં મગના પાકનું 530 હેક્ટર જમીનમાં, તલના પાકનું 185 હેક્ટર જમીનમાં, શાકભાજીનું 30 હેક્ટર જમીનમાં, ઘાસચારાનું 365 હેક્ટર જમીનમાં અને ચોરી સહિત અન્ય પાકોનું 95 હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...