હાલાકી:મહત્વના તબીબની જગ્યા ભરવી અનિવાર્ય, કલાસ વનની 18 જગ્યા સામે 10 જગ્યા ખાલી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સિવીલ હોસ્પિટલમાં તબીબોની ઘટ વચ્ચે ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર : દર્દીઓને અન્ય જગ્યાએ રીફર કરવામાં આવે છે

પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘટ વચ્ચે ડેપ્યુટેશન પર જવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે જેથી દર્દીઓને હાલાકી વેઠવી પડે છે. મહત્વના તબીબની જગ્યા ભરવી અનિવાર્ય બની છે. દર્દીઓને રીફર કરવામાં આવે છે.

પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મહત્વના તબીબોની ઘટ છે. અવારનવાર રજુઆત છતાં પણ તબીબોની નિમણુંક થતી નથી. જેને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ ભાવસિંહજી હોસ્પિટલમાં કલાસ વન 18 ની સામે 10 જેટલા તબીબ સર્જનની ઘટ જોવા મળે છે. આ ઘટ વચ્ચે તબીબોને ડેપ્યુટેશન પર મુકવામાં આવે છે જેથી દર્દીઓને મુશ્કેલી વધી રહી છે. જિલ્લાભરની એક માત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ સારવાર લેવા આવે છે.

ઇમરજન્સી સારવાર લેવા આવે છે પરંતુ મહત્વના તબીબ ન હોવાને કારણે દર્દીઓને બહારના જિલ્લામાં રીફર કરી દેવામાં આવે છે. ગરીબ વર્ગના લોકોને નાછૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે અને મસમોટા બિલો ચૂકવવા પડે છે. જેથી આ સરકારી હોસ્પિટલ ખાતે તાકીદે તબીબોની જગ્યા ભરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.

ડેપ્યુટેશન નો નિર્ણય રદ કરવો જોઈએ - આગેવાન
એક તરફ ભાવસિંહજી હોસ્પિટલમાં મહત્વના તબીબોની ઘટ છે. દર્દીઓને રીફર કરવામાં આવે છે, આવા સંજોગોમાં તબીબોને વારાફરથી રોજ દ્વારકા ખાતે ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે. જેથી આ નિર્ણય રદ કરવો જોઈએ તેવું સામાજિક આગેવાન જયેશભાઇ સવજણીએ માંગ કરી છે અને ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

ચાર્જમાં કેટલા તબીબ?
ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન, આરએમઓ ચાર્જમાં છે. જ્યારે એનેસ્થેટીક્સ અને ઓર્થોપેડિક તબીબ કોન્ટ્રાકટ બેઇઝ લીધેલ છે.

આગામી 29 દિવસ સુધી તબીબ ડેપ્યુટેશન પર
ઇન્ચાર્જ આરએમઓ ડો. મકવાણાએ જણાવ્યું હતુંકે, તા. 31/5 થી 29 દિવસ સુધી ભાવસિંહજી સરકારી હોસ્પિટલના તબીબને વારા ફરથી દ્વારકા હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન પર મોકલવાનો ઓર્ડર આવ્યો છે.

ક્યા ડોક્ટરની ઘટ?
હાલ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન, આરએમઓ, એનેસ્થેટિસ્ટ 2, ઇએનટી સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાંત, જનરલ સર્જન, માઈક્રો બાયોલોજીસ્ટ, ડેન્ટલ સર્જન, ફિઝિશિયનની જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...