વિસર્જન:શહેરમાં વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર શહેરનાં માર્ગો ઉપર લોકો ડીજેના તાલે વિસર્જન માટે ઉમટી પડ્યા : તંત્ર દ્વારા 4 સ્થળો પર વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી

ગણપતિ બાપ્પા મોરિયા...અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે શહેરમાં વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થયું છે. માર્ગો પર બહોળી સંખ્યામાં લોકો ડિજેના તાલે વિસર્જન માટે ઉમટી પડ્યા હતા.પોરબંદરમાં ઠેરઠેર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશજીની અવનવી પ્રતિમા સાથે આયોજકોએ ગણેશ પંડાલ ખાતે ગણેશજીને બિરાજમાન કરી ભાવિકોએ આસ્થાભેર ગણેશજીની પૂજા, આરાધના કરી છે અને ગણેશ પંડાલ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ઠેરઠેર ગણેશજીને આરતી, પ્રસાદી ભોગ ધરવામાં આવ્યા હતા અને ગણપતિ ના ગુણગાન ગાવા માં આવ્યા હતા.

પ્રસાદી વિતરણ અવિરત કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં શહેરીજનો વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલ ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અને દર્શનનો લહાવો લીધો હતો. ગણેશ ચતુર્થીના 5 માં દિવસે મોટાભાગના આયોજકોએ વિધિ પૂર્વક ગણેશ વિસર્જન કર્યું હતું.

પાલિકા તંત્ર દ્વારા 4 સ્થળે ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવી હતી. રવિવારે બપોર બાદ ગણેશ વિસર્જન માટે લોકો ઉમટી પડ્યા હતા. અસ્માવતી ઘાટ સામેના દરિયામાં ગણેશ વિસર્જન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ગણપતિ બાપ્પા મોરિયા... અબકે બરસ તું જલ્દી આ...ના નાદ સાથે લોકોએ ગણેશ વિસર્જન કર્યું હતું.

ગણેશ વિસર્જન માટે આયોજકો સહિતની ટીમ અને સ્થાનિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગો પર અબીલ ગુલાલ ઉડાડીને ડીજેના તાલે રાસ રમ્યા હતા. ગણેશજીને ઊંટગાડા, રિક્ષા, ફોર વ્હીલ વાહનો, ટ્રક માં બેસાડી વાજતે ગાજતે વિસર્જન માટે અસ્માવતી ઘાટ સામે લાવ્યા હતા અને પૂજન વિધિ કરી ગણેશજીની પ્રતિમાનું દરિયામાં વિસર્જન કર્યું હતું

ખારવા સમાજે મોરચો સંભાળ્યો
ગણેશ વિસર્જન અસ્માવતીના કૃત્રિમ કુંડમાં થઈ શકે તેમ ન હોય જેથી માછીમાર બોટ એસો., પિલાણા એસો. ખારવા સમાજના લોકોએ મોરચો સંભાળી દરિયામાં બોટ રાખી એક ટીમ બનાવી હતી અને ટીમ દ્વારા સાંકળ બની ગણેશજીને બોટ સુધી પહોચાડ્યા હતા અને બાદ દરિયામાં ગણેશ વિસર્જન કરાયું હતું.

હજુ 30 ટકા ગણેશ વિસર્જન મંગળવારે થશે
પોરબંદરમાં 70 ટકા ગણેશ વિસર્જન રવિવારે કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગના ગણેશ પંડાલના આયોજકો તેમજ ગણેશજીની પ્રતિમાને ઘરે બિરાજમાન કરી હોય તેવા લોકોએ રવિવારે ગણેશ વિસર્જન કર્યું છે. હજુ 30 ટકા ગણેશ વિસર્જન કરવાનું બાકી છે તેઓ આવતીકાલે મંગળવારે ગણેશ વિસર્જન કરવામાં આવશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહ્યો હતો. આ સાથે ઘાટ પાસે દરિયા કિનારે લોકો દરિયામાં ન જાય તે માટે પણ પોલીસે વ્યવસ્થા ગોઠવી હતી. આ સાથે ખારવા સમાજના લોકો પણ ઘાટ પાસે વ્યવસ્થામાં સહભાગી બન્યા હતા.

કૃત્રિમ કુંડ શોભાના ગાંઠીયા સમાન બન્યો
ગણેશ વિસર્જન દરિયામાં ન થાય અને પર્યાવરણ ને નુકશાન ન થાય તે માટે પાલિકા દ્વારા 4 સ્થળે કૃત્રિમ કુંડ બનાવ્યા હતા. અસ્માવતી ઘાટ સામે પાલિકા તંત્ર દ્વારા કૃત્રિમ ખાડો બનાવ્યો હતો પરંતુ પાણી ઓછું હોય અને ગણેશ વિસર્જન થઈ શકે તેમ ન હોય જેથી ગણેશ વિસર્જન દરિયામાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...