તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:કડિયા પ્લોટમાં અનિયમિત, દૂષિત પાણીનું વિતરણ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ પાણી ભરી પાલિકાએ ઘેરાવ માટે પહોંચી, પૂરતી રજુઆત થાય તે પહેલા જ પોલીસે મહિલાઓની અટકાયત કરી

પોરબંદરના કડીયાપ્લોટમા પાણીની પળોજણ ઉભી થઇ છે. દૂષિત અને અનિયમિત પીવાનું પાણી વિતરણ થતા મહિલાઓ પાણી ભરી પાલિકાએ ઘેરાવ કરવા પહોંચી હતી. પૂરતી રજુઆત થાય તે પહેલા જ પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.

પોરબંદરમા સુભાસનગર, ખારવાવાડ, ખાપટ, કડીયાપ્લોટ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી નિયમિત મળતું ન હોવાની ફરિયાદો ઉઠી છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત અને પીવાલાયક નથી આવતું તેવી પણ ફરિયાદો ઉઠી છે. કડીયાપ્લોટ શેરી નંબર 7 મા પણ પીવાનું પાણી 5 દિવસે એકવાર આવે છે અને આ પાણી પણ કચરાવાળું ગંદુ પાણી વિતરણ થતું હોવાથી આ વિસ્તારની મહિલાઓ દૂષિત પાણી ભરેલ બેડા સાથે પાલિકા કચેરીએ ઘેરાવ કરવા અને રજુઆત કરવા આવી પહોંચ્યા હતા.

ચીફ ઓફિસરને રજુઆત કરી બેડાં માંથી પાણી ઢોળી અધિકારીને બતાવ્યું હતું અને વધુ રજુઆત કરે તે પહેલા પોલીસે આ મહિલાઓની અટકાયત કરી હતી. આ મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે, પીવાનું પાણી અનિયમિત આવે છે અને ગંદુ પાણી વિતરણ થાય છે જેથી પીવાલાયક રહેતું નથી અને વાપરવા લાયક પણ રહેતું નથી. પીવાનું પાણી પૂરું પાડતા ડેમ પણ ભરેલા છે અને ચોમાસુ માથે છે ત્યારે આવા સમયે એકાંતરા પાણી આપવાને બદલે 5 દિવસે પીવાનું પાણી વિતરણ થઈ રહ્યું છે જેથી મહિલાઓ પોતાનો બળાપો ઠાલવી રજુઆત કરવા અને ઘેરાવ કરવા પહોંચી હતી પરંતુ પૂરતી રજુઆત થાય તે પહેલાં જ આ મહિલાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.

મહિલાઓની અટકાયત લોકશાહીનું હનન - કોંગ્રેસ
કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા અને નાથાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે મહિલાઓ પાણી અંગે રજુઆત કરવા આવી હતી અને પૂરતી રજુઆત થાય તે પહેલા જ પોલીસે મહિલાઓની અટકાયત કરી તે લોકશાહીનું હનન છે. લોકશાહીમાં દરેકને રજુઆત કરવાનો હક્ક છે. કોંગ્રેસ દ્વારા વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ લોકોની સમસ્યા સાંભળી આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

સ્થળ મુલાકાતની સુચના અપાઈ
કડીયાપ્લોટ વિસ્તારમાં પાણી દૂષિત અને અનિયમિત આવતું હોવાની મહિલાઓ એ રજુઆત કરી છે જેથી સ્થળ મુલાકત માટે સૂચના આપી છે અને જરૂર પડે પાણીનું ટેન્કર મોકલવામાં આવશે. હાલ પીવાનું પાણી વિતરણ માટે જરૂર કરતાં પાણીની અછત છે. નલ સે જલ યોજના શરૂ થશે એટલે લોકોને પીવાના પાણીની સમસ્યા નહિ રહે. > મનન એ. ચતુર્વેદી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...