સમસ્યા:પોરબંદર શહેરની મધ્યમાં બગીચાને બદલે મેદાનની સુવિધા પણ છીનવાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેદાનમાં કાટમાળ ખડકી દેવાયો હોવાનો આક્ષેપ : મેદાનને સમથળ બનાવવા માંગ ઉઠી

પોરબંદર શહેરની મધ્યમાં આવેલા ખીજડી પ્લોટમાં પાલિકાએ બગીચો બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ તે મેદાનમાં કાટમાળ ખડકી દેવાયો છે અને બગીચાની કોઇ કામગીરી ન થતા યુવાનો તથા બાળકોને રમવાના મેદાનની જે સુવિધા હતી તે પણ છીનવાઇ ગઇ છે. પોરબંદર નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા ખીજડી પ્લોટમાં લાખો રૂપિયાના ખર્ચે બગીચો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેથી મેદાનમાં તંત્ર દ્વારા કાટમાળ નાખી દેવામાં આવ્યો હતો.

પરંતુ દોઢ વર્ષથી અહીંયા બગીચો બનાવવા માટે કોઇ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી નથી જેથી જે મેદાનમાં અત્યાર સુધી બાળકો અને યુવાનો રમત ગમત માટે ઉપયોગમાં લેતા હતા તે સાવ બિનઉપયોગી બની ગયું છે. પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે પાલિકાના સતાધીશો વિકાસની વાતો કરે છે પરંતુ કોઇ કામગીરી હાથ ધરતી નથી. તેમણે જણાવ્યું હતું કે મેદાનનો ઉપયોગ બાળકો રમત ગમત માટે કરતા હતા પરંતુ કાટમાળના ખડકલાના કારણે બાળકો મેદાનનો ઉપયોગ કરી શકતા નથી અને ભૂતકાળમાં અહીં ફટાકડા બજાર તેમજ પતંગ બજાર ભરવામાં આવતી હતી.

પણ કાટમાળના લીધે એ પણ શકય બનતું નથી. પાલિકાને મેદાનને વહેલી તકે ખાલી કરાવવું જોઇએ તેમજ જયારે બગીચો બનાવવાનો હોય ત્યાં સુધી મેદાનને સમથળ બનાવીને બાળકો અને ધંધાદારીઓ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...