• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Inadequate Facility Found In Porbandar Chanya Municipality run Gaushala; Allegation That Only 50 Maunds Of Fodder Were Given To 200 Cattle

કોંગ્રેસની જનતા રેડ:પોરબંદર છાંયા નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સામે આવી અપુરતી સુવિધા; 200 પશુઓને માત્ર 50 મણ ચારો અપાયોના આક્ષેપ

પોરબંદર24 દિવસ પહેલા

પોરબંદર નગરપાલિકાએ શહેરમાંથી રસ્તે રઝળતા પશુઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ આ પશુઓને સાચવવા માટેની કોઈ જ વ્યવસ્થા કરી નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા ઓડદર ખાતે પાડવામાં આવેલ જનતા રેડમાં ચોકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં ઘાસચારો અને પાણી જેવી પાયાની સુવિધા પણ તંત્ર ઉપલબ્ધ કરાવી નથી શકી. પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદે મોઢવાડિયાના નેતૃત્વમાં ઓડદર ખાતે ગૌશાળામાં જનતા રેડ કરીને તપાસ હાથ ધરવામાં આવતા ખુબ જ કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રામ ઓડેદરા, દેવદાસ ઓડેદરા, રવી મોદી, દાનુ ઓડેદરા વગેરેએ ઓડદર ગૌશાળાની મુલાકાત લીધી હતી.

અનેક અગવડતા વચ્ચે ગૌધનની દયનીય સ્થિતિ
પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી પકડવામાં આવતા આ મૂંગા પશુઓને સાચવવા માટે કોઈ જ વ્યવસ્થા નહી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પીવાના પાણી જેવી પાયાની સગવડ પણ નજરે ચડી ન હતી. અંત્યત દુર્ગંધ મારતા નાના અવેડામાં પશુઓનું મોઢું પણ પહોંચી ન શકે તેટલું પાણી હોવાથી મૂંગા પશુઓ પાણી વિના ભાંભરતા નજરે ચડ્યા હતા. તેટલું જ નહી પરંતુ તપાસ કરવામાં આવતા 200 જેટલા ગૌધન માટે માત્ર 50 મણ ચારો જ અપાયો હોવાની માહિતી બહાર આવી હતી. 200 જેટલા ગૌ-ધનને માત્ર 50 મણ ચારામાં કઈ રીતે પેટ ભરાય? તેવા સવાલ સાથે વધુ તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે, ગૌ-ધનને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી નહી હોવાથી મૂંગા જીવો લાઈમ સ્ટોનની અણીયારી કાંકરીઓ ઉપર બેસીને ઈજાનો ભોગ બની રહ્યા હતા.

એક પણ પશુ તબીબ નહી,દેખરેખ માટે એક કર્મચારી
200 જેટલા આ મૂંગા જીવોની સારવાર માટે એક પણ પશુ તબીબની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જો આ પશુઓમાંથી એકાદ-બે જીવો પણ લમ્પીગ્રસ્ત હોય તો તેમના દ્વારા અન્ય તમામ જીવોને લમ્પીનો ચેપ લાગે તેવી પુરેપુરી શક્યતા જણાઈ રહી છે. આટલી વિશાળ માત્રામાં ગૌ-ધનને સાચવવા માટે ઓછામાં ઓછા 10-12 માણસોની વ્યવસ્થા હોવી જોઈએ તેના બદલે આ પશુઓની દેખરેખ માટે માત્ર એક જ કર્મચારી હાજર હતો. ચોકાવનારી બાબત એ પણ બહાર આવી હતી કે કેટલાક ભૂખ્યા પશુઓ ભોજન માટે રીતસર ભાંભરતા નજરે ચડ્યા હતા, તેમ છતાં તેમની પીડા શાસિત નગરપાલિકાના સતાધીશોના કાને અથડાતી નથી.

આંદોલનની અપાઈ ચેતવણી
તેમાંથી શીખ લેવાને બદલે હિન્દુત્વના ગાણા ગાતા પોરબંદર ભાજપના આગેવાનો અને સતાધીશોની બેદરકારી પશુઓથી પણ રેઢિયાળ છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ ઓડદરની ગૌ- શાળામાં જો પશુઓ માટે પુરતી વ્યવસ્થા કરવામાં નગરપાલિકાનું તંત્ર ઉણું ઉતરશે તો ઉગ્ર આંદોલન કરવાની કોંગ્રેસને ફરજ પડશે તેવી ચેતવણી ઉચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...