મુશ્કેલી:વાડિપ્લોટ શાક માર્કેટમાં ગંદકી, કિચકાણથી લોકોને ભારે મુશ્કેલી

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણી અને ગંદકી વચ્ચે સિનિયર સિટીઝનો ખાબકે છે

વાડિપ્લોટ શાકમાર્કેટ ખાતે અંદર અને બહાર કિચકાણ ફેલાયેલું છે. ગ્રાહકો અને વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વરસાદી પાણી અને ગંદકી વચ્ચે સિનિયર સિટીઝનો ખાબકે છે. પોરબંદરના વાડિપ્લોટ વિસ્તારમાં આવેલ વાડિપ્લોટ શાકમાર્કેટ ખાતે અનેક ગ્રાહકો ખરીદી અર્થે આવે છે. વાડિપ્લોટ વિસ્તાર ઉપરાંત કડીયાપ્લોટ, ભોજેશ્વર પ્લોટ, કમલાબાગ, છાયા સહિતના આસપાસના વિસ્તારના લોકો શાકભાજી, ફ્રૂટ, રાશનની ખરીદી કરવા આવે છે. આ વાડિપ્લોટ શાકમાર્કેટ બહાર ફરતે વરસાદી પાણી એકઠું થતા કાદવ કીચડ અને કિચકાણ ફેલાયેલું નજરે ચડે છે. આ કિચકાણમાં મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ ફેલાયો છે.

પાણી ભરેલા હોવાથી માર્કેટમાં પ્રવેશવું મુશ્કેલ બને છે જેથી ગેઇટ નજીક ગંદા પાણી વચ્ચે પથ્થરો મૂક્યા છે. પરંતુ ગંદા પાણી વચ્ચેથી પસાર થવામાં ખાસકરીને સિનિયર સિટીઝનો ખાબકી રહ્યા હોવાનું વેપારીએ જણાવ્યું હતું. બીજીતરફ વાડિપ્લોટ શાકમાર્કેટમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી કિચકાણ થાય છે. મહિલાઓ અને પુરૂષો કિચકાણમાં ઉભા રહીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે.

પાણી ફેલાયેલું હોવાના કારણે ગ્રાહકો સ્લીપ થાય તેવી શકયતા રહેલી છે. આ વાડિપ્લોટ શાકમાર્કેટ ફરતે ગંદકી અને કાદવ કીચડ હોવાથી આ વિસ્તારની શોભા ખરડાઈ રહી છે. જેથી માર્કેટ બહાર નિયમિત સફાઈ હાથ ધરવામાં આવે તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે અને માર્કેટ અંદર નિયમિત સફાઈ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રબળ બની છે.

ફ્રૂટની લારીઓ કાદવ વચ્ચે રાખવી પડે છે
પોરબંદર વાડિપ્લોટ શાકમાર્કેટ ફરતે ફ્રૂટ સહિતની લારીઓ રાખવામાં આવે છે. વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કીચડ વચ્ચે લારી ધારકો પોતાની લારી રાખે છે અને ગંદકી વચ્ચે ગ્રાહકો ફ્રૂટ ખરીદી રહ્યા છે. વેપારીએ જણાવ્યું હતુંકે, કીચડ હોવાથી ઘણી વખત ગ્રાહકો ફ્રૂટની ખરીદી કરવા આવતા નથી. ધંધામાં પણ અસર પડે છે.

રોગચાળો વકરવાની ભીતિ
શાકભાજી લેવા આવનાર મહિલાઓએ જણાવ્યું હતુંકે, એકતરફ ચોમાસાની ઋતુ અને કોરોનાના વધતા કેસ વચ્ચે રોગચાળો વકરી રહ્યો છે. માર્કેટમાં અંદર અને બહાર ગંદા પાણીમાં જીવાતો ફેલાઈ રહી છે. ત્યારે અહીં સફાઈ કરવી જરૂરી છે. રોગચાળો વકરવાની ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...