પોરબંદર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા પડેલ કમોસમી વરસાદ અને કરાનાં કારણે ખેડૂતોના ઘાસચારા,ધાણા, જીરુ, ઘઉંના તૈયાર પાક અને ઉનાળુ પાકના વાવેતર અને બાગાયતી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પોરબંદર જિલ્લાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જેમાં બરડા વિસ્તારનાં અડવાણા, સોઢાણા, ભેટકડી, ભોમીયાવદર, પારવાડા સહીતના ગામો તથા રાણાવાવના બિલેશ્વર તથા જિલ્લાના અન્ય ગામડાઓમાં પણ કમોસમી વરસાદ નોંધાયેલ હતો.
કમોસમી વરસાદની નુકશાની મુદ્દે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને બરડા વિસ્તાર અને રાણાવાવ તાલુકામાં ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થયેલ છે. તેમજ બાગાયત પાકો અને પશુઓ માટેના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયેલ છે, ખેડૂતો પહેલાથી પોષણક્ષમ ભાવ ન મળવા સહિતની સમસ્યાઓથી પરેશાન છે. ત્યારે આ કમોસમી વરસાદે ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્ય સરકારે થોડો પણ વિલમ કર્યા વગર તાત્કાલિક ખેતરોમાં થયેલ નુકશાનનું સર્વે કરાવી ઝડપથી વળતર ચુકવવું જોઈએ.
અર્જુન મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ખેડૂતો પાછેથી પાક વીમાની સુવિધા ઝુંટવી લીધી છે, બીજી જે રાહતો મળવા પાત્ર થાય છે તે પણ ચૂકવતી નથી, જેના કારણે ખેડૂતો પહેલેથી કફોડી સ્થિતિમાં છે, ત્યારે હવે સરકારની ફરજ બને છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનું પુરે પુરુ વળતર ચૂકવીને ખેડૂતોને રાહત આપે. અર્જુન મોઢવાડીયાએ ઉમેર્યું હતું કે, જે વિસ્તારમાં પશુઓ માટેના ઘાસચારાને નુકસાન થયેલ છે, ત્યાં રાહત દરે ઘાસચારાના વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જેથી પશુઓને બચાવી શકાય સાથે જ અર્જુન મોઢવાડીયાએ આ મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરી ખેડૂતોને ઝડપથી વળતર મળે તે માટે રજૂઆત કરવાની ખાતરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.