ભાવ વધારો:રાંધણગેસ સિલિન્ડરમાં ફરી રૂ. 50નો ભાવ વધારો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1021એ પહોંચ્યો, ભાવ વધારાથી લોકોમાં વિરોધનો વંટોળ
  • ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, મંદી અને મોંઘવારી વચ્ચે ભાવ વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે

સરકારે મંદી અને મોંઘવારી વચ્ચે રાંધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂ. 50 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા પોરબંદરમાં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1021એ પહોંચ્યો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક ફટકો પડશે જેથી ભાવ વધારાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

એક તરફ કોરોના મહામારીને કારણે ઉદભવેલી મંદી માંથી વેપારીઓ, માછીમારો સહિતના વ્યાવસાયિકો પસાર થઈ રહયા છે અને જનજીવન મંદી માંથી બહાર આવવા થાળે પડી રહ્યું છે ત્યારે બીજી તરફ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા હોવાથી ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આવા સંજોગોમાં સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યા બાદ રાંધણ ગેસ સિલિન્ડરમા રૂ. 50નો ભાવ વધારો ઝીંકી દીધો છે. પોરબંદરમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1021એ પહોંચ્યો છે.

જે કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય પરિવાર માટે રસોઈ બનાવવી વધુ મોંઘી થશે. પોરબંદરના સ્થાનિક પરિવારોએ જણાવ્યું હતુંકે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપરાંત ખાદ્ય તેલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. તેવા સંજોગોમાં સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા બાદ રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂ. 50નો વધારો કરી દેતા ગરીબ વર્ગ કે જે ટકે ટકનું કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને શ્રમિક વર્ગ તેમજ મધ્યમ વર્ગ કે જેઓ સામાન્ય નોકરી કરી પોતાના પરિવારજનોનું પેટીયુ રળે છે તેવા પરિવારજનો ની સ્થિતિ કફોડી બની ગઈ છે. મોંઘવારી વચ્ચે રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થતા વિરોધનો વંટોળ ઉભો થયો છે.

ભાવ વધારો પાછો ખેંચો : ચેમ્બર પ્રમુખ
સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરતા ફરસાણના તેમજ કેટરિંગના વ્યાવસાયિકોને મુશ્કેલી પડે છે અને નફામાં નુકશાન કરવાનો વારો આવ્યો છે. બીજીતરફ રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂ. 50નો ભાવ વધારો કરવામાં આવતા વેપારીઓ અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આવશ્યક ચીજોનો ભાવ પરવડે તેવો હોવો જોઈએ તેને બદલે ભાવ વધારો થઈ રહ્યો છે જેથી સરકારે આવશ્યક ચીજોનો ભાવ ઘટાડવો જોઈએ. રાંધણ ગેસમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવો જોઈએ. > જીજ્ઞેશભાઈ કારીયા, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, પોરબંદર

સામાન્ય નોકરિયાત અને સામાન્ય વેપારીના ખર્ચનું સરવૈયું
સામાન્ય નોકરી કરનાર વર્ગ અને સામાન્ય વેપારી વર્ગની મહિને રૂ. 15 થી 25 હજાર આવક હોય તો તેની સામે બાળકોની સ્કૂલ ફી, ગણવેશ, તેલ સહિત રાશનનો ખર્ચ, ડોકટર અને દવાના ખર્ચ, પેટ્રોલનો ખર્ચ, રાંધણ ગેસ સિલિન્ડરનો ખર્ચ, વીજળીનું બિલ, વર્ષે મિલકત સહિતનો વેરો, વેપારીને વર્ષે વ્યવસાય વેરો, પ્રસંગોમાં હાજરી, તહેવારોમાં કપડા સહિતના ખર્ચાઓનું સરવૈયું કાઢવામાં આવે તો આવક કરતા ખર્ચ વધી જાય છે. બેન્ક બેલેન્સ તોળાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. > જેન્તીભાઈ, સ્થાનિક

રોજગારી માટે ઉદ્યોગો નથી, કમરતોડ ભાવ વધારો કેમ પરવડે? : સ્થાનિક
હાલ પોરબંદરમાં ઉદ્યોગો મૃતપ્રાય હાલતમાં છે, રોજગારીની તકો નથી. શ્રમિક ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ મોંઘવારીના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે તેવામાં રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો હવે પરવડે તેમ નથી. > યોગેશ થાનકી, સ્થાનિક, પોરબંદર

2 માસમાં સિલિન્ડરના ભાવ 100 રૂપિયા વધ્યા
પોરબંદરના ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું હતુંકે, બે માસ અગાવ રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 921 હતો. માર્ચ મહિનામાં રૂ. 50નો વધારો થતાં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 971એ પહોંચ્યો હતો. હાલ ફરી રૂ. 50નો ભાવ વધારો થતાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1921એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...