રજૂઆત:સુભાષનગરમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો, 12 દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચી ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઇ

સુભાષનગરમાં પીવાના પાણીની ઉઠયો છે છેલ્લા 12 દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ ફેલાયો હતો અને સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી.નર્મદાના પાણી ની પાઇપલાઇન રિપેર બાબતે છેલ્લા ઘણા દિવસથી પીવાના પાણી વિતરણનો પ્રશ્ન સર્જાયો છે ત્યારે આવા સંજોગોમાં પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું ન હોવાથી સ્થાનિકો રોષે ભરાયાં છે. સ્થાનિકોને પીવાના પાણી ન મળતા આ વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠયો છે.

મહિલાઓ ડંકી માંથી પાણી ભરી રહ્યા છે અને આ ડંકીનું પાણી પણ ભાંભરૂ મોરું હોવાને કારણે સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં સ્થાનિકોની ધીરજ ખૂટી હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.મહિલાઓએ આક્રોશભેર જણાવ્યું હતુંકે, શહેરના અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે પરંતુ સુભાષનગર વિસ્તારમાં કોબાલ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં છેલ્લા 12 દિવસથી પીવાનું પાણી વિતરણ થયું ન હોવાથી સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે અહી તાકીદે પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

શહેરમાં પણ વિવિધ વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ થયું નહિ
આમ તો પાલિકા દ્વારા એકાંતરા પિવાનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ નર્મદા પાણીની લાઈન રિપેર માટે પીવાના પાણીનો જથ્થો નહિવત આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આજે બુધવારે પાણીનો વારો હતો ત્યાં પણ પાણી વિતરણ થયું ન હોવાથી શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડી હતી.

દરિયાના પાણીમાં ખાંડ નાખી પીવો તેવા વાલ મેનના જવાબથી રોષ
મહિલાઓએ ચીફ ઓફિસરને ફરિયાદ કરી જણાવ્યું હતુંકે, સુભાષનગર માં પાણી વિતરણ કરવામાં આવ્યું ન હોવાથી પાણી માટે અહીંના વાલમેન ને કહ્યું તો વાલમેને દરિયાના પાણીમાં ખાંડ નાખીને પીવો તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું જેથી ચીફ ઓફિસર પણ ચોંકી ઉઠ્યા હતા.

સ્થાનિકો વેચાતું પાણી લઈને પીવે છે
મહિલાઓએ જણાવ્યું હતુંકે, સુભાષનગર વિસ્તારમાં પાણી વિતરણ થયું નથી જેથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે જેથી મોટાભાગના સ્થાનિકો રૂ.250 અને રૂ. 600 દઈને વેચાતું પાણી ખરીદી રહ્યા છે.

શું કહે છે ચીફ ઓફિસર?
બે દિવસથી નર્મદા નું પાણી બંધ છે. વાલ ખરાબ છે જેથી નહિવત પાણી મળે છે. પાલીકા દ્વારા લેખિતમાં જાણ પણ કરી છે. હવે ત્રણ દિવસે પાણી વિતરણ નું આયોજન કરવામાં આવશે. પૂરતું પાણી મળશે ત્યારે એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે. - મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...