રજૂઆત:પોરબંદરનાં રાતિયા ગામે કેનાલની સફાઇના નામે વૃક્ષોનું કટીંગ કરતા ઉગ્ર રજૂઆત કરાઇ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના રક્ષણ માટે ઉગાડેલા વૃક્ષો ક્ષાર અંકુશ વિભાગે કાપી નાખ્યા

પોરબંદરના રાતિયા ગામે કેનાલની સફાઇના નામે ક્ષાર અંકુશ વિભાગે ખેતરમાં વાવેતર કરેલા વૃક્ષો કાપવાની કામગીરી કરતા ખેડૂત રડી પડયા હતા. આ અંગેની કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પોરબંદરના રાતિયા ગામે કોસ્ટર કેનાલની સફાઇ કામગીરી ક્ષાર અંકુશ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ સફાઇ દરમિયાન કેનાલની આસપાસના 20 ફૂટના અંતરમાં આવેલા વૃક્ષોનું કટીંગ કરવામાં આવી રહ્યું છે.

રાતિયા ગામે દરિયા કિનારે આવેલ ખેડૂતે તેમની જમીનના રક્ષણ માટે વૃક્ષોનું વાવેતર કર્યું છે. પરંતુ ક્ષાર અંકુશ વિભાગ દ્વારા ખેડૂતોએ આ વૃક્ષો ન કાપવા માટે આજીજી કરી હતી પરંતુ તંત્ર એકનું બે ન થતા તેમણે આ વૃક્ષો કાપી નાખ્યા હતા જેની જાણ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાને થતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે ક્ષાર અંકુશ વિભાગના તંત્રને રજુઆત કરી હતી.

અને તેમણે ક્ષાર અંકુશ વિભાગને ટેલીફોનીક રજૂઆત કરતા કહયું હતું કે હવે જો વધુ વૃક્ષો કપાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને તેમની રોષભેર રજૂઆતને કારણે તંત્રએ વૃક્ષો કટીંગની કામગીરી મુલ્તવી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...