300 લોકોનું સ્થળાંતર કરાયું:પોરબંદરમાં ભાદરનું પાણી આવતાં ખાડીકાંઠાના અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીચાણવાળા વિસ્તારોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરાયું

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ભાદર, ઓઝત અને મધુવંતી નદીઓમાં નવા નીર આવ્યા હતા. જેમાં ભાદરનું પાણી પોરબંદરના કર્લી જળાશયમાં આવતા ખાડી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. આ નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 300 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ધોરાજી નજીકના ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા ભાદર, ઓઝત અને મધુવંતીના પાણી પોરબંદર જીલ્લાના ઘેડ પંથકના ગામડાઓમાં ફરી વળતા આ ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.

ભાદરના પાણી કર્લી આર.આર.માં થઇ અને છાંયા-પોરબંદર વિસ્તારમાં આવેલા કર્લી જળાશયમાં આવી પહોંચ્યા હતા જેને કારણે પોરબંદરના પ્રવેશદ્વારે આવેલા કર્લી જળાશયમાં જોરદાર આવક થઇ હતી. જેને કારણે ખાડી કાંઠાના વિસ્તારમાં લોકો માટે આફતરૂપ બની રહ્યું હતું. રીવરફ્રન્ટ નજીક આવેલી ઝુપડપટ્ટી, કડીયા પ્લોટ, કુંભારવાડા, જૂની ખડપીઠ સહિતના વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે લોકોની ઘરવખરી અને અનાજ પલળી ગયા હતા.

પોરબંદર નગરપાલિકા દ્વારા તાત્કાલીક સ્થળાંતરની કામગીરી શરૂ કરતા બપોર સુધીમાં લગભગ 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં હજુ પણ વરસાદની શકયતા હોવાના કારણે નગરપાલિકા દ્વારા રીક્ષા ફેરવી અને ખાડી કાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી.

મોસમનો 100 ટકા વરસાદ વરસી ગયો
પોરબંદર102.45 ટકા
કુતિયાણા102.37 ટકા
રાણાવાવ95.48 ટકા

ગોસાબારા નજીક રેતીના પાળાને જીવના જોખમે લોકોએ દૂર કર્યો
ગોસા-ટુકડા ગામ નજીકથી ભાદરના પાણી દરિયામાં ભળતા હોય ત્યાં કુદરતી રીતે બનેલો રેતીનો પાળો નડતરરૂપ હતો. જો આ પારો દૂર કરવામાં ન આવે તો ગોસાના મછીયારાવાડ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આથી ગામના સરપંચ તથા અન્ય માછીમાર ભાઇઓએ સાથે મળીને હોડી લઇને સમુદ્ર કિનારા નજીક પહોંચ્યા હતા અને રેતીનો પાળો તોડયો હતો જેના પગલે ભાદરના પાણીનો નિકાલ થયો હતો.

ગરેજ ગામે અસરગ્રસ્તોને રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ
ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેડ પંથકમાં પુષ્કળ પાણીની આવક થઇ હોવાથી મોટાભાગના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોમાં જીવનું જોખમ ઉભું થતા વહીવટીતંત્રએ અનેક લોકોનું સ્થળાંતર કરીને આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...