પોરબંદર જિલ્લામાં સારા વરસાદને લીધે રવિ પાકનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ગઇકાલ સુધીમાં 101142 ગુણીની રૂપિયા 26 કરોડથી વધુ રકમની ખરીદી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 84 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ અંદાજે 53 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
સૌથી વધુ ચણા પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉત્પાદન થાય છે. સરકાર દ્વારા 1લી માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી. જેમાં 14 એપ્રિલ સુધીમાં પોરબંદર જિલ્લામાં રૂપિયા 26,75,20,590 રૂપિયાના ચણાની ખરીદી કરવામાં આવી છે. પોરબંદર અને રાણાવાવ તાલુકામાં હજુ પણ ચણાની ખરીદી ચાલુ જ છે. પોરબંદર જિલ્લાના રજિસ્ટ્રેશનના આંકડાઓ પર નજર કરીએ તો પોરબંદર રાણાવાવ તાલુકામાં કુલ 6700 ની આસપાસ રજીસ્ટ્રેશન થયું છે તો કુતિયાણા તાલુકાનું 4000 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
આમ જિલ્લામાં કુલ 11 હજાર આસપાસ ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે ખેડૂતો પાસેથી અંદાજે 95671 ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે. કુતિયાણા તાલુકાની વાત કરીએ તો 2228 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 2176 ખેડૂતો પાસેથી 85 હજાર ગુણી ચણાની ખરીદી કરવામાં આવી છે. હાલ સરકાર દ્વારા ચણાની ખરીદીનો ટેકાનો ભાવ રૂ. 2615 એક ગુણીના ખેડૂતોને ચૂકવવામાં આવે છે. અત્રે નોંધનીય છેકે, રવિપાકનું સારૂ ઉત્પાદાન થયું છે ત્યારે ચણાનું મબલખ ઉત્પાદન થતાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.