પોરબંદરમાં રોગચાળો વકર્યો છે. તાવ, શરદી, ઝાડા ઉલ્ટીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં મેઈલ વોર્ડમાં બેડ દર્દીઓથી ભરચક બન્યા છે જેથી નીચે બેડ પાથરી દર્દીઓની સારવાર શરૂ કરાઇ છે. પોરબંદરમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજીતરફ ચોમાસાની ઋતુ ચાલે છે.
આ ઋતુમાં પાણીજન્ય રોગ વકરે છે ત્યારે ઝાડા ઉલ્ટી , તાવ, શરદીના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ અને કોરોનાના સંક્રમણને કારણે શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલ્ટીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં મેઈલ વોર્ડમાં ખાટલાઓ દર્દીઓથી ઉભરાઈ જતા હાલ નીચે બેડ પાથરી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દવાબારી પર પણ દર્દીઓની કતાર લાગી છે. અને સારવાર લેવા આવનાર દર્દીઓના બ્લડ ટેસ્ટ માટે પણ સરકારી લેબોરેટરી ખાતે દર્દીઓનો ઘસારો થયો છે.
જેથી લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ ખાસ તો પીવાનું પાણી ઉકાળી અને ઠંડુ થયા બાદ પીવું જોઈએ. બહારનો ખોરાક અને બહારના ઠંડાપીણા પીવાનું ટાળવું જોઈએ. ઘરે બનાવેલ ગરમ ભોજન તથા સુપાચ્ય ભોજન ખાવું જોઈએ તેવું સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. વિપુલ મોઢાએ જણાવ્યું હતું.
પહેલા કરતા 40 ટકા દર્દીની સંખ્યા વધી
પોરબંદર સિવીલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતુંકે, પહેલા ફલૂ ઓપીડીમા તાવ શરદી ઉધરસના દર્દીઓ નોંધાતા હતા હાલ આવા દર્દીઓ ઉપરાંત ઝાડા ઉલ્ટીના દર્દીઓની સંખ્યા વધી છે. પહેલા કરતા હાલ 40 ટકા દર્દીઓમાં વધારો નોંધાયો છે.
ચાલુ માસે લેબમાં કેટલા ટેસ્ટ થયા?
સિવિલ હોસ્પિટલમાં ચાલુ માસે સરકારી લેબોરેટરી ખાતે તા. 1 જુલાઈથી તા. 24 જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 27 રિપોર્ટ, મેલેરિયાના 529 રિપોર્ટ તથા સીબીસીના 21945 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સલામતી માટે માસ્ક પહેરો - આરોગ્ય અધિકારી
હાલ કોરોના સંક્રમણ વધ્યું છે અને સાથોસાથ ચોમાસાની ઋતુ ચાલે છે જેથી ઝાડા, ઉલ્ટી,તાવના દર્દીઓમાં વધારો નોંધાયો છે. ખાસ તો લોકોએ પોતાની સલામતી માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. તેમજ ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. - કવિતાબેન દવે, આરોગ્ય અધિકારી, પોરબંદર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.