પોરબંદર જયુબેલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વીજ ધાંધિયા વકર્યા છે. વારંવાર વીજ પ્રવાહ ખોરવાતો હોવાના લીધે વીજ ઉપકરણો બળી જતા હોવાનો કોંગ્રસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ ઉર્જા મંત્રીને ફરિયાદ કરી જણાવ્યું છે કે ઉનાળાના દિવસોમાં લોકો ગરમીથી પરેશાન છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં જ નહીં પરંતુ પોરબંદરના શહેરી વિસ્તારમાં પણ વીજ તંત્રની કામગીરી ખાડે ગઇ હોય તેમ અવારનવાર વીજ પ્રવાહ બંધ થઈ જાય છે.
ખાસ કરીને ઉદ્યોગનગર પેટા વિભાગીય કચેરીની બેદરકારીથી જયુબેલી વિસ્તારમાં દિવસમાં ત્રણથી ચાર વખત વીજ પ્રવાહ ઠપ થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ આર્ય કન્યા ગુરુકુળ સામેના વિસ્તારમાં ચામુંડા પાર્ક અને મહારાજ બાગ સહિતની સોસાયટીઓમાં રાત્રિના સમયે વોલ્ટેજ ડીમ ફૂલ થાય છે. જેના કારણે વીજ ઉપકરણોમાં માઠી અસર થાય છે અને હાલ ઉનાળાની આકરી ગરમીમાં લોકોની ઊંઘ હરામ થઈ જાય છે. આ અંગે યોગ્ય કરવા માંગ કરી છે.
ફોલ્ટ ઓફિસના ફોન ઉપડતા નથી
પોરબંદર ઉદ્યોગ નગર પેટા વિભાગીય કચેરી હેઠળના વિસ્તારોમાં જયારે લાઈટ જાય ત્યારે ફરિયાદ માટે ફોલ્ટ લખાવા ફોન કરવામાં આવે તો ફોન રિસિવ કરવામાં આવતો નથી તેવો પણ આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
વીજ સમસ્યાથી નાના-મોટા સૌ પરેશાન
ઉપરોકત વિસ્તારોમાં વીજ સમસ્યા સર્જાતી હોવાથી વૃદ્ધો, બાળકો અને દર્દીઓ સહીત તમામને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેની પણ રજૂઆત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.