જિલ્લામાં કોરોનાના પ્રિકોશન ડોઝની કામગીરી વેગવંતી બની છે. જિલ્લામાં 50 કેન્દ્ર ખાતે વેકશીન આપવાની કામગીરી શરૂ કરાઇ છે. અત્યાર સુધીમાં 73686 નાગરિકોએ પ્રિકોશન ડોઝ લીધા છે. સરકાર દ્વારા કોરોના વેકશીનના બે ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા અને વેકશીનના બે ડોઝ લીધા બાદ હાલના નિયમ મુજબ 6 માસ બાદ કોરોના વેકશીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે.
જેમાં સરકાર દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોને તેમજ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કરોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે. 18 થી 59 વર્ષની વયે ધરાવનાર નાગરિકોને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 15 જુલાઈથી 75 દિવસ સુધી કોરોના વેકશીનના પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે.
પોરબંદર જિલ્લામાં આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જેમાં પોરબંદર જિલ્લામાં 50થી વધુ સ્થળોએ વેકશીન આપવાની કામગીરી થઈ રહી છે. અત્યાર સુધીમાં 73686 નાગરિકોએ પ્રિકોશન ડોઝ લઈ લીધો છે. બન્ને વેકશીનના ડોઝનો જથ્થો ઉપલબ્ધ થયો છે. 18 થી 59 વર્ષની વયના કે જેઓએ વેકશીનનો બીજો ડોઝ લીધા બાદ 6 માસ પૂર્ણ ન થયા હોય તેવા 321915 લોકો છે.
બીજો ડોઝ લીધા બાદ 6 માસ થઈ ગયા હોય તેવા 86580 નાગરિકો છે. જેઓનો પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે તેમજ 60 વર્ષથી વધુ વય ધરાવતા 33172 નાગરિકોને હજુ પ્રિકોશન ડોઝ લેવાના બાકી છે. આથી બીજો ડોઝ લીધાના 6 માસ ઉપર થયા હોય તેવા નાગરિકોએ વહેલી તકે પ્રિકોશન ડોઝ લઈ લેવો તેવી આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.