હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ રહી છે. ત્યારે પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર શહેર તેમજ જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એને લઈ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થતાં ખેતરોમાં તળાવો ભરાયાં હોય તેવાં દ્દશ્યો જોવા મળ્યાં હતાં. જિલ્લાના કુતિયાણા અને રાણાવાવમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ફસાયા
પોરબંદરના રાણાવાવમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. રાણાવાવથી ભોરાસર સીમ તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભોરાસર સીમ શાળાના 88 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો શાળામાં ફસાયા હતા. જોકે, શાળાની નજીક રહેતા 62 વિદ્યાર્થીઓ સહિ સલામત ઘરે પહોંચ્યા હતા. શાળા તરફ જતા આ રસ્તામા દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાતા સ્થાનિક વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. રસ્તા પરથી પાણી ઉતર્યા બાદ બાળકો તેમજ શિક્ષકોને બહાર લાવવાની કામગીરી હાથ ધરાશે.
ક્યાં કેટલો વરસાદ વરસ્યો?
પોરબંદર જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી જ મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં આજે વરસેલા વરસાદની વાત કરવામા આવે તો જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ કુતિયાણામાં અને રાણાવાવમાં 4-4 ઇંચ જ્યારે પોરબંદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
લોકોને ગરમીમાંથી થઈ રાહત
પોરબંદર જિલ્લામાં પડેલા સારા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત થઈ છે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. હાલ અનેક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો હવે વાવણી કામોમાં જોતરાઈ જાશે.
શાળા પાસે દિવાલ પડી
રાણાવાવમાં પડી રહેલાં ભારે વરસાદને પગલે રાણાવવાની સરકારી સ્કૂલ કુમાર શાળા ની પાસે આવેલ એક મકાનની દિવાલ ધરાસાઈ થઈ ગયેલ છે. જોકે આ દીવાલ પડી ત્યારે ત્યાંથી કોઈ પસાર ન થઇ રહ્યું હોવાને લીધે કોઈને પણ જાનહાની કે ઈજા થયેલ નથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.