પોરબંદર નગરપાલિકા દ્વારા પોરબંદરમાં પીવાનું પૂરતું પાણી ના મળતું હોવાની ફરિયાદ તેમજ નગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા પૂરતું પાણી ન અપાતું હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. આ બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરને રૂબરૂ બોલાવીને ચર્ચા કરી હતી. પાણી પુરવઠા બોર્ડના અધિકારી ચૌહાણે પોરબંદર નગરપાલિકાને દરરોજ અપાતા પાણીના જથ્થાના આંકડાઓ સાથેની માહિતી આપી હતી. તે અનુસાર વસ્તીના ધોરણે રોજના 35 MLD પાણી (મીલીયન લીટર પર ડે)ની જરૂરીયાત સામે રોજના 40 MLD પાણીનો જથ્થો નગરપાલિકા દ્વારા અપાતો હોવાની જાણકારી આપી હતી.
વિવિધ ટાંકાઓ મારફતે પાણીનું વિતરણ
આ પૈકી રોજનું 10 MLD પાણીનો જથ્થો નર્મદાની NC-38 પાઈપલાઈન મારફત તેમજ 30 MLD પાણી ફોદારા ડેમમાંથી પાઈપલાઈન મારફતે નગરપાલીકાના રાણાવાવ પાસે આવેલા જાંવીત્રી ગાળા આગળના ફિલ્ટર પ્લાંટ ઉપર અપાય છે. આ જથ્થો પોરબંદરની જરૂરીયાત કરતાં 5 MLD વધારે છે. જાવીત્રી ગાળાના ફિલ્ટર પ્લાંટથી નગરપાલિકાના છાંયા, કમલાબાગ અને જયુબલી હેડ વર્કસ પંપ અને ટાંકાઓ મારફત નગરપાલિકા વિતરણ કરે છે.
ધારાસભ્યએ શાસક પક્ષ પર હુમલો કર્યો
ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકાના ભાજપના શાસકો ભ્રષ્ટાચારમાં લીન છે. પ્રજાને પાણી આપવું તે નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી હોવા છતાં અને પુરતો સપ્લાય મળવા છતાં નગરપાલિકા જનતાને પુરતું પાણી આપી શકતી નથી અને સમગ્ર શહેરમાં રોજ પાણીની ફરીયાદો આવી રહી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ નગરપાલીકાના ચીફ ઓફીસરને ટેલીફોન કરીને પાણીનો પુરતો જથ્થો મળવા છતાં નગરજનોને પુરતું પાણી અપાતું ના હોવા અંગે ખુલાસો પુછ્યો હતો અને તાકીદે વિતરણ વ્યવસ્થા ગોઠવવા સુચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.