પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતા રૂડીબેન પૂંજાભાઈ ખૂંટી નામના 85 વર્ષીય વૃદ્ધા ગઈકાલે મંગળવારે બપોરે 1:30 કલાકે ઘરે એકલા હતા તે દરમ્યાન એક શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો અને વૃદ્ધાનું ગળું દબાવી વૃદ્ધાના આંખમાં મરચાંનો પાવડર છાંટી વૃદ્ધાના બન્ને કાન માંથી સોનાના વેઢલા ઉતારી લૂંટ કરી આ શખ્સ બહારથી દરવાજો બંધ કરીને નાશી છૂટ્યો હતો.
આ બનાવમા વૃદ્ધાને આંખમાં બળતરા તથા હાથમાં વાગી જતા 108 એમ્બ્યુલન્સ મારફત વૃદ્ધા ને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વૃદ્ધાએ જણાવ્યું હતુંકે તે પોતાની દીકરી કારીબેન અને કારીની દીકરી ટમુ સાથે રહે છે. કારીબેન મજૂરીકામે ગયા હતા ત્યારે બપોરે શખ્સ ઘરમાં ઘુસી ગયો હતો. વૃદ્ધાને શખ્સે હાથ પકડી જકડી લીધા હતા.
વૃદ્ધાને એમ થયું કે તે ટમુ છે અને શખ્સે વૃદ્ધાને બથમાં ભરી લેતા અને કાનમાં હાથ રાખતા વૃદ્ધાને સમજાયું કે આ ટમુ નથી પણ કોઈ અજાણ્યો શખ્સ છે જેથી વૃદ્ધાએ પોતાનો એક કાન ઢાંકી દેતા શખ્સે મરચાનો પાવડર વૃદ્ધાની આંખમાં છાંટી વૃદ્ધાના બન્ને કાન માંથી સોનાના 3 તોલાના વેઢલા ઉતારી લૂંટ ચલાવી બારણું બંધ કરી નાશી છૂટ્યો હતો. આ બનાવને પગલે ભારે ચકચાર જાગી છે. પોલીસ વૃદ્ધાની ફરિયાદ લેવા પહોંચી છે. અને શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.