પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મંડેર અને વિસાવાડા ગામે 2 શખ્સોએ અન્યની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદો નોંધાતા તેની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદો નોંધાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના માધવપુર નજીકના મંડેર ગામે રહેતા જેન્તીભાઇ ગોવિંદભાઇ વાઢીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના કેવદ્રા ગામે રહેતા અરજણભાઇ દેવશીભાઇ બાલસ નામના શખ્સે મંડેર ગામની સીમમાં આવેલ ખેડ ખાતા નં 422 જેના સર્વે નં. 736 (જૂના સર્વે નંબર 903) ના ક્ષેત્રફળ 1-13-53 હે. જેની આશરે જંત્રી મુજબ કિંમત રૂ. 6,81,180 થાય છે તેના પર ગેરકાયદેસર કબજો કરીને જેન્તીભાઇને સંયુકત માલિકની જમીન પર કબજો જમાવી લીધો હતો.
જયારે કે રાજકોટ ખાતે રહેતા કરણ કેશવભાઇ શીંગરખીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વિસાવાડા ગામે આવેલી તેમની કાયદેસરની માલિકીપણાની જમીન સર્વે નં. 572 (પ્લોટ નં. 24, 160 ચો. વારનો પ્લોટ) કિંમત રૂ. 3,00,000 માં રણમલ ભીખાભાઇ સાદિયાએ કાચું બાંધકામ કરીને ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે.
આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.