પોરબંદરમાં રઝળતા 8 પશુઓને લમ્પી સ્કિનના રોગના કેસ સામે આવ્યા છે. આઇસોલેશન કરવા માટેની જગ્યા ફાળવવા પાલિકાને દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ચેપીરોગ હોવાથી માલિકીના પશુઓને બહાર ન છોડવા અધિકારી પશુ ચિકિત્સક દ્વારા અપીલ કરવામાં આવી છે.
પોરબંદર શહેરમાં પણ લમ્પી સ્કિનના રોગે દેખા દીધી છે. પોરબંદર શહેરમાં બિનવારસુ રઝળતા પશુઓમાં લમ્પી સ્કિન રોગના લક્ષણો સામે આવ્યા છે જેમાં 8 જેટલા પશુઓને લમ્પી સ્કિનના રોગ થયાનું સામે આવ્યું છે. પશુઓમાં વાયરસના કારણે રોગ ફેલાઈ છે અને આ રોગ ચેપી હોવાથી સંક્રમણ ઝડપથી ફેલાઈ છે. હાલ તો આ લમ્પી સ્કિનનો રોગ રઝળતા પશુઓ ગાય આખલામાં જોવા મળ્યો છે પરંતુ આ રોગ માલિકીના પશુઓમાં પણ ઝડપથી ફેલાઈ શકે છે જેથી પશુપાલકોએ પોતાના પશુઓને બહાર છોડવા ન જોઈએ તેવી અપીલ પશુ ચિકિત્સક મંડેરાએ કરી છે.
મહત્વની વાત એ છેકે આ લમ્પી સ્કિન રોગને અટકાવવા જે પશુઓમાં આ રોગના લક્ષણો છે તેવા પશુઓને આઇસોલેટ કરવા માટેની જગ્યા નથી. આવા લક્ષણો ધરાવતા અથવા જે પશુઓને લમ્પી સ્કિનનો રોગ છે તેની સારવાર માટે આઇસોલેશન વોર્ડ ઉભો કરવાનો થાય છે જેથી પશુ ચિકિત્સક તથા જીવદયાપ્રેમી ડો. નેહલબેન કારાવદરાએ કલેકટર તથા પાલિકા તંત્રને જગ્યા ફાળવવા દરખાસ્ત મૂકી છે.
વહેલી તકે પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવે તો એક આઇસોલેશન વિભાગ તૈયાર થઈ શકે અને આવા લક્ષણો ધરાવતા તેમજ આવા રોગી પશુઓની સારવાર ત્યાંજ થઈ શકે અને સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ રોગ ચેપી હોવાથી ચેપગ્રસ્ત પશુ કોઈ તંદુરસ્ત પશુના સંપર્કમાં આવે તો તે પશુને પણ સંક્રમિત કરે છે. જોકે પશુઓની રોગ પ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે. આ રોગના પેસારાથી પશુપાલકોમા ફફડાટ ફેલાયો છે.
લમ્પી સ્કીન રોગથી બચવા શું કાળજી લેવી?
અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ, પશુની બાંધવાની જગ્યા માખી મચ્છર કથીરી રહિત રાખવી, રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી અલગ આપવું, અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું તેમજ પશુ રહેઠાણ અથવા વાડાઓને જીવાણુંનાશક દવાઓનો છંટકાવ કરવો અને રોગના લક્ષણ જણાય તો નજીકના સરકારી પશુ દવાખાનનો સંપર્ક કરવો જોઈએ. > ડો. મંડેરા, પશુ ચિકિત્સક, પોરબંદર
લોકોને ડરવાની જરૂર નથી
શહેરમાં પશુઓને ચેપીરોગ લમ્પી સ્કિન નામનો રોગ સામે આવ્યો છે પરંતુ આ રોગ માત્ર પશુઓ એટલે કે ગૌવંશને જ થાય છે. માણસોને થતો નથી જેથી લોકોએ ડરવાની જરૂર નથી તેવું પશુ ચિકિત્સકે જણાવ્યું છે.
લમ્પી સ્કિન રોગ શેનાથી થાય?
પશુ ચિકિત્સક ડો. મંડેરાએ જણાવ્યું હતુંકે લમ્પી સ્કિન પશુમાં એટલેકે ગૌવંશમાં થાય છે. આ રોગ માખી, મચ્છર, જુ, ચાંચળ અને ઇતરડીથી પશુઓમાં ફેલાઈ છે.
આ રોગનો ઈલાજ શક્ય છે
પશુ ચિકિત્સકે જણાવ્યું હતુંકે પશુઓમાં થતો લમ્પી સ્કિન રોગનો ઈલાજ શક્ય છે. રસીકરણ અને સારવાર બાદ 4 કે 5 દિવસમાં પશુઓ સાજા થઈ જાય છે પરંતુ જો પશુઓની પ્રતિકાર શક્તિ ઓછી હોય, પ્લાસ્ટિક આરોગી ગયા હોય તેવા પશુઓની સમયસર સારવાર ન થાય તો આવા પશુઓનું રોગના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.