કોરોના રસીકરણ:પોરબંદરમાં 33.45 ટકાએ કોરોના રસીનો બીજો અને 14.38% એ પ્રથમ ડોઝ નથી લીધો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ મહિનામાં 14906 લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ અને 67552 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો

કોરોનાની મહામારી સામે સુરક્ષા કવચ આપતી કોરોનાની રસીના પ્રથમ ડોઝ લેવામાં 14.38 ટકા લોકો હજુ બાકી રહી ગયા છે જયારે કે બીજો ડોઝ લેવામાં 33.45 ટકા લોકો હજુ બાકી રહી ગયા છે. છેલ્લા દોઢ મહિનામાં પોરબંદરમાં 14906 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જયારે કે 67552 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વને છેલ્લા 100 વર્ષમાં રેકર્ડ બ્રેક ઝાટકો આપી હચમચાવી નાખનાર કોરોનાની મહામારીએ ભારત દેશની સાથે સાથે પોરબંદરને પણ બાનમાં લીધું હતું.

પોરબંદર વાસીઓ પણ દેશવાસીઓની માફક આ બિમારીથી બચાવતી રસી શોધાઇ તેની રાહ જોઇ રહ્યા હતા અને ત્યારબાદ દેશમાં વિકસીત કોરોના વિરોધી બે રસીને સરકારે મંજૂરી આપી દીધા બાદ ટૂંક સમયમાં પોરબંદરમાં પણ કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સર્વપ્રથમ ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ વર્કરોને રસીકરણ કરાયા બાદ ધીમી ગતિએ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોનું અને બિમારી ધરાવતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ હાથ ધરાયું હતું.

બાદમાં દેશમાં વેક્સિનનું ઉત્પાદન વધી જતા 18 વર્ષથી ઉપરની તમામ ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયા બાદ પોરબંદરમાં પણ વેક્સિનેશનની ગાડી પૂરપાટ દોડવા લાગી હતી અને જેના પરિણામે ગઇકાલ સુધીમાં પોરબંદર જીલ્લામાં 85.62 ટકા એટલે કે 421431 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

જયારે કે 66.55 ટકા એટલે કે 280445 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવતા હવે માત્ર 14.38 ટકા લોકો પ્રથમ ડોઝ લેવામાં અને 33.45 ટકા લોકો બીજો ડોઝ લેવામાંથી બાકી રહ્યા છે અને તેમને પણ પૂરપાટ ઝડપે વેક્સિન આપવાની કામગીરી ધમધમી રહી છે. જેને જોતા ટૂંક સમયમાં પોરબંદર જીલ્લો સંપૂર્ણ વેક્સિનેટેડ જીલ્લો બની જાય તેવું દેખાઇ રહ્યું છે.

5 મહિનામાં પોરબંદર 100 ટકા વેક્સિનેટેડ જીલ્લો બની જશે
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ આંકડા મુજબ પોરબંદર જીલ્લામાં કુલ 70780 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે જયારે 140960 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. તેની તુલનામાં છેલ્લા દોઢ મહિનામાં અપાયેલા રસીકરણના આંકડા જોઇએ તો 14906 લોકોને પ્રથમ અને 68552 લોકોને બીજો ડોઝ આ દોઢ મહિનાના સમયગાળામાં આપવામાં આવેલ છે જે પરથી તેવું અનુમાન લગાવી શકાય કે આગામી 5 મહિનામાં જીલ્લાના તમામ બાકી લોકોને પ્રથમ અને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો હશે અને પોરબંદર જીલ્લો સંપૂર્ણ વેક્સિનેટેડ જીલ્લો બની ગયો હશે.

અન્ય સમાચારો પણ છે...