તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:કોલીખડા ગામે મિત્રએ ત્રિકમના ઘા મારી મિત્રનું ઢીમ ઢાળી દીધું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોટેલમાં જમવાના રૂપિયા આપવા બાબતે બોલાચાલી થતા હત્યા નિપજાવી, વચ્ચે પડનાર મિત્રને ત્રિકમ વાગતા સારવાર હેઠળ ખસેડાયો

કોલીખડા ગામે મિત્રો હોટલમાં જમવા ગયા હતા અને જમવાના રૂપિયા આપવા બાબતે ઝગડો થયા બાદ મિત્રએ ત્રિકમના ઘા મારી મિત્રનું ઢીમ ઢાળી દીધું હતું. વચ્ચે પડનાર મિત્રને ત્રિકમ વાગતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોરબંદર નજીક આવેલ કોલીખડા ગામે રહેતા રાણા પરબત નવલા તેમજ તેમના મિત્ર દાસા પરબત ઉર્ફે પોલો મારૂ, રાણાવાવનો મુરૂ મુંજા અને કોલીખડાનો કરશન ભીમા કોડિયાતર નામના ચારેય મિત્રો ગઈકાલે મંગળવારે રાત્રે 10:30 કલાકે કોલીખડા ખાતે પવન હોટેલમાં જમવા ગયા હતા. અને જમીને બીલના રૂપિયા દાસા પરબતે આપવાની વાત કરી હતી. ત્યારબાદ જમીને તેઓ હોટેલે બેઠા હતા અને રાત્રે બારેક વાગ્યા બાદ ગામમાં આવેલ શીતલા માતાજીના મંદિરે આરામ કરવા જતા હતા ત્યારે રસ્તામાં કરશન ભીમાએ દાસાને કહ્યું હતું કે આપણા ચારેયના જમવાના રૂપિયા આપણા બન્નેએ આપવાના હતા તે કેમ ન આપ્યા તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. ઝગડો વધે નહીં તે માટે રાણા અને મુરૂએ બન્નેને છુટા પાડ્યા હતા. બાદ કરશન ગુસ્સો કરીને જતો રહ્યો હતો અને આ ત્રણેય મિત્રો શીતલા માતાના મંદિરના પટાંગણમાં રાખેલ ખાટલા પર આરામ કરતા હતા ત્યારે વીસેક મિનિટ બાદ કરશન ભીમા કોડિયાતર ત્યાં અચાનક આવી પહોંચ્યો હતો અને ખાટલા પર સુતેલ દાસા પરબત મારૂના માથામાં ત્રિકમનો ઘા મારી દીધો હતો. બાજુમાં સુતેલ રાણાભાઈ તેને બચાવવા જતા વચ્ચે પડતા રાણાને પણ માથામાં ત્રિકમનો ઘા વાગી ગયો હતો. મુરૂભાઈ ઉભો થઇ કરશનને પકડવા જતા તે ત્રિકમ મૂકીને નાશી છૂટ્યો હતો. ઈંજાગ્રસ્તોને સિવિલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે દાસાને મૃત જાહેર કર્યો હતો જ્યારે રાણા પરબત નવલાને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવને પગલે ઉધોગનગર પોલીસ પહોંચી ગઈ હતી અને રાણા પરબતે આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કરશનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે ગામમાં ભારે ચકચાર જાગી છે.

દાસા મારું 29 વર્ષીય યુવાન ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો. આ યુવાન પરિણીત હતો તેમજ સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...