તપાસ:આદિત્યાણામાં 4 શખ્સોએ મહિલાને ઘેર જઇ ધમકી આપી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિત્યાણા ગામમાં રહેતા રાજશ્રીબેન વીંઝાભાઈ મોઢવાડીયાએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે બપોરે 3: 27 કલાકે બે બાઇક પર 4 શખ્સ તેણીના ઘરે આવી પહોંચ્યા હતા અને રાજશ્રીબેન સહિતના ને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મહિલાના જણાવ્યા મુજબ આ શખ્સ પાસે પિસ્તોલ જેવું હથિયાર હતું.

જે સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું હોય, પોલીસને ફૂટેજ પણ આપ્યા હતા. આ બનાવ બાદ આ મહિલાના દિયર લીલા હમીરભાઈ મોઢવાડીયાની કાર ખાપટથી આદિત્યાણા રોડ પરથી પસાર થતી હતી તે દરમ્યાન બપોરે 4:30 કલાકે આ ચારેય શખ્સ દ્વારા કારની પાછળ આવી કારને આંતરી ને કારમાં તોડફોડ કરી કાચ તોડી નાખ્યા હતા. કાર માલિક લીલાએ જણાવ્યું હતું કે કારમાં તેના ભાણેજ સહિત 3 લોકો હતા. જે આદિત્યાણા ઘરે જતા હતા. લીલો આ કારમાં ન હતો. આ બનાવ બાબતે આદિત્યાણામા ડબલ મર્ડરના મનદુઃખમાં આ હુમલો થયાની આશંકા સેવાઇ રહી છે.

પોલીસને જાણ થતા ડીવાયએસપી જે.સી. કોઠીયા, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલે બે ગુન્હા નોંધવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસ નિવેદન બાદ ફરિયાદ નોંધશે તેવું પણ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, આ બનાવમાં ચારેય શખ્સો દ્વારા કારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે ફાયરિંગ થયાનું જાણવા મળેલ નથી આમછતાં પોલીસએ દિશામાં વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...