ગ્રામપંચાયતની ચૂંટણી:98 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 73.66 ટકા મતદાન,ગત વખતની સરખામણીએ 18.02 ટકા વધુ મતદાન નોંધાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, આજે ત્રણેય તાલુકા ખાતે મતગણતરી થશે

પોરબંદર જિલ્લામાં 98 ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. જેમાં કુલ 73.66 ટકા મતદાન થયું હતું. ગત વખતની સરખામણીએ 18.02 ટકા વધુ મતદાન નોંધાયું છે. આજે ત્રણેય તાલુકા ખાતે મતગણતરી યોજાશે. પોરબંદર જિલ્લામા 130 ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમા 31 ગ્રામપંચાયત સમરસ થઈ હતી. જ્યારે ભોદ ગામે એકજ સરપંચનું ફોર્મ ભરાતા તે બિનહરીફ થયા છે તેમજ વોર્ડમાં એકપણ સભ્યના ફોર્મ ન આવતા વોર્ડ બધા ખાલી રહેતા આ ગામમાં ચૂંટણી યોજાઈ ન હતી, પોરબંદર જિલ્લાની 98 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 254 સરપંચ અને 1687 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

ગ્રામપંચાયતની ચૂંટણીમા બેલેટ પેપરથી મતદાન થયુ હતું. આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 185 મતદાન મથક રહ્યા હતા. જેમાં 59 મતદાન મથક સંવેદનશીલ અને 28 મતદાન મથક અતિ સંવેદનશીલ હતા. ગ્રામપંચાયતની ચૂંટણીમાં સવારથીજ લોકો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્રણેય તાલુકાનું કુલ 73.66 ટકા જેટલું મતદાન થયું છે. ગત વખતે ગ્રામપંચાયતની ચૂંટણી 2016મા યોજાઈ હતી જેમાં કુલ મતદાન 55.64 ટકા થયું હતું જ્યારે આ વખતે 18.02 ટકા વધુ મતદાન થયું છે. આજે મંગળવારે ત્રણેય તાલુકા ખાતે મતગણતરી થશે.

રિણાવાડા ગામે ફરીથી ચૂંટણી યોજાઈ : 88.16 % મતદાન
જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રિણાવાડા ગામે પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર સ્ટાફ દ્વારા બેલેટ પેપર ઇશ્યુ કરવામાં છબરડો થયો હતો. એક વોર્ડના બેલેટ પેપર બીજા વોર્ડમાં ઇશ્યુ કરી દીધા હતા. જેથી સોમવારે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. રિણાવાડા ગામે 88.16 ટકા મતદાન થયું છે.

સ્ત્રી-પુરૂષ મતદારોની સંખ્યા
ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાનમાં 158822 નોંધાયેલ મતદારો માંથી 62916 પુરુષ અને 54070 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 116988 મતદારોએ મતદાન કર્યું હતું.

ગ્રામપંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાઇ હતી અને આજે 21 ડિસેમ્બરે મત ગણતરી થશે. જેના માટે પોરબંદરની માધવાણી કોલેજ, રાણાવાવની વિનિયન કોલેજ અને કુતિયાણા સરકારી હાઈસ્કૂલ ખાતે મત ગણતરી થશે.

તાલુકા દીઠ કેટલું મતદાન થયું?
પોરબંદર તાલુકામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં 74.06 ટકા, રાણાવાવ તાલુકામાં 68.95 ટકા અને કુતિયાણા તાલુકામાં 76.31 ટકા મતદાન થયું હતું.

ક્યાં ઓછું અને ક્યાં વધુ મતદાન થયું?
પોરબંદર

રવિવારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં પોરબંદર તાલુકાના ગોઢાણા ગામે સૌથી વધુ મતદાન 91.80 ટકા નોંધાયું હતું. જ્યારે દેગામ ગામે સૌથી ઓછું 65.53 ટકા મતદાન થયું હતું.

રાણાવાવ
રાણાવાવ તાલુકાના દિગવિજયગઢ ગામે સૌથી વધુ 94.64 ટકા મતદાન થયું હતું. જ્યારે રાણા વડવાળા ગામે સૌથી ઓછું 42.21 ટકા મતદાન થયું હતું.

કુતિયાણા
કુતિયાણા તાલુકાના ધ્રુવાળા ગામે સૌથી વધુ 91.02 ટકા મતદાન થયું હતું. જ્યારે મહોબતપરા ગામે સૌથી ઓછું 52.37 ટકા મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...