ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી:1 દિવસમાં દેશીદારૂની 6 ભઠ્ઠી ઝડપાઈ

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાવવાનો શીલશીલો ચાલુ : ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી
  • લઘુઉદ્યોગની માફક દેશીદારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તેવો ઘાટ સર્જાયો

પોરબંદર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને હવે તો પોરબંદર શહેરમાંથી પણ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાવવાનો શીલશીલો સતત ચાલુ જ રહે છે પણ આ ભઠ્ઠીઓ બંધ થવાનું નામ લેતી નથી. પોલીસે ગઇકાલે દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.

જેમાંથી પોલીસે 1130 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લીધો હતો. નરસંગ ટેકરી વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવના મંદિર પાછળ રહેતા માલદે કરણાભાઇ ઓડેદરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડીને ત્યાંથી દેશી દારૂ બનાવવાનો 60 લીટર આથો ઝડપી લીધો હતો અને માલદે ઓડેદરા સ્થળ પર હાજર નહીં મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

જયારે કે નવી ખડપીઠ પાસે રહેતા રૂડીબેન માલદે ભુતિયા નામની મહિલાના ઘરેથી પોલીસે દરોડો પાડીને 15 લીટર આથા સાથે રંગેહાથ ઝડપી લીધી હતી. જયારે કે ધરમપુરના પાટીયા પાસે ચારણના દંગામાંથી પોલીસે મેઘા આલણશીભાઇ ઘોડા નામના શખ્સના ઘરે દરોડો પાડીને 40 લીટર આથો ઝડપી લીધો હતો તથા મેઘા નામના શખ્સ હાજર નહી મળતા પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

જયારે કે બરડા ડુંગરના કોઠાવાળાનેશ થી 1 કીમી દૂર ડુંગરની પડધારમાં રાણના ઝાડ નીચેથી પોલીસે 600 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો તથા આ ભઠ્ઠીના ચાલક ડાયા બોઘા ગુરગુટીયા નામનો શખ્સ સ્થળ પર હાજર નહી મળતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જયારે કે મહોબતપરા ગામેના ખારાસીમમાંથી પોલીસે લખમણ રાજશીભાઇ મોઢવાડીયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે દરોડો પાડીને 15 લીટર જેટલો આથો ઝડપી લીધો હતો. જયારે કે ભારવાડા ગામેની ગોરડીયા સીમમાંથી કેનાલના કાંઠેથી પોલીસે 400 લીટર આથો તથા દારૂ બનાવવાનો વિવિધ સામાન મળી આવ્યા હતા. પોલીસને આ સ્થળેથી પારસ કિશોરભાઈ સાદીયા નામનો ભઠ્ઠીનો ચાલક હાજર નહીં મળતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...