મુશ્કેલી:સિવીલ હોસ્પિટલમાં ફરી ઓપરેશન થીયેટરમાં આઇઆઇ ટીવી બંધ થયું

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીવી બંધ થતા ઓપરેશન થઇ શકે નહીં, ઓપરેશન લાયક દર્દીઓને કરાય છે રિફર

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ફરી ઓપરેશન થીયેટરમાં આઈઆઈ ટીવી બંધ પડી ગયું છે. આઇઆઈ ટીવી બંધ થતા ઓપરેશન થઇ શકે નહિ જેથી ઓપરેશન માટે દર્દીઓને રિફર કરવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ઓપરેશન થીયેટરમાં આઇઆઇ ટીવી ફરી એક વખત બંધ પડી ગયું છે.

આ આઈઆઈ ટીવી મહત્વનો ભાગ ભજવે છે અને આ ટીવી એકસરે મશીન જેવું હોય છે. આ ટીવી વિના ઓપરેશન કરવું શક્ય નથી. ઓર્થો અંગેના એટલેકે હાડકાના ઓપરેશનમાં સ્ક્રુ ફીટ કરવા, સળિયો મુકવા સહિતના ઓપરેશનમાં આઈઆઈ ટીવીમાં જોઈને ઓર્થોપેડીક તબીબ ઓપરેશન કરતા હોય છે પરંતુ આ મશીન બંધ પડી જતા આઇઆઇ ટીવી વિના ઓપરેશન થઇ શકે નહિ જેથી હાડકાના ઓપરેશન માટેના દર્દીઓને જામનગર અથવા રાજકોટની હોસ્પિટલ ખાતે રિફર કરવા પડી રહ્યા છે અને ઇમરજન્સી સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં રીફર કરી દેવા પડશે.

હાલ આઈઆઇ ટીવી બંધ હોવાથી દર્દીઓને બેઝિક પાટા પીંડી, ટાંકા લઈને સારવાર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે ઓપરેશન થીયેટરમાં આ ટીવી બંધ થતા હાડકાના ઓપરેશન લાયક દર્દીઓને મુશ્કેલી પડશે અને રિફર કરવામાં આવશે જેથી બહારગામ સુધીના ધક્કા ખાવા પડશે જેથી વહેલી તકે આ આઈઆઇ ટીવી મશીન નવું ખરીદવામાં આવે તે જરૂરી બન્યું છે.

નવું આઇઆઇ ટીવી મશીન ખરીદવા કાર્યવાહી કરી હતી,
નવું આઇઆઇ ટીવી મશીન 60 લાખની કિંમતનું થાય છે

સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતુંકે, ઓપરેશન થીયેટરમાં 1 વર્ષ પહેલા દિવાળી આસપાસ આઇઆઇ ટીવી બંધ થતા નવું મશીન ખરીદવા પ્રોસિઝર કરી હતી. ત્રણ માસ પહેલા ફરી આ ટીવી બંધ પડયું હતું અને રિપેર કરાવ્યું હતું. હાલ આ ટીવી બંધ થતા આ મશીન ચાલુ થઈ શકે તેમ ન હોય. નવું મશીન ખરીદવા પ્રોસીઝર કરી છે. નવું આઇઆઇ ટીવી મશીન રૂ. 60 લાખ જેટલી કિંમતનું થાય છે તેવું જણાવ્યું હતું.

ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કુલ ત્રણ આઇઆઇ ટીવી હતા જેમાંથી એક ટીવી મશીન 13 વર્ષ પહેલાનું હતું જે ટીવી હાલ કંડમ સ્થિતિમાં છે. 12 વર્ષ પહેલા 2 આઇઆઇ ટીવી મશીન આવેલ હતા જેમાંથી 1 ટીવી મશીન બંધ થતા રિપેર માટે પ્રક્રિયા કરી હતી પરંતુ રીપેરીંગનો ચાર્જ વધુ હોવાથી મંજૂરી મળી ન હતી. હાલ ત્રીજું આઇઆઇ ટીવી અગાઉ 1 વર્ષ પહેલા બંધ થતા રિપેર કરાવ્યું હતું અને બાદ ત્રણ માસ પહેલા બંધ થતા રિપેર કરાવ્યું હતું. બાદ ફરી આ ટીવી મશીન બંધ થયું છે. > ઇન્ચાર્જ આરએમઓ, સિવીલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...