વિવાદ:સરકારી હોસ્પિટલમાં ડોકટરોની જગ્યા ખાલી, જગ્યા નહિ ભરાય તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર કોંગ્રેસના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વસેક્રેટરી રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર સહિત રાજયની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની જગ્યાઓ ખાલી છે અને તેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. સરકારે સરકારી હોસ્પિટલને ડોકટરમુકત બનાવી દીધી છે.

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન ડો. જે.ડી. પરમારની આણંદ બદલી થઇ ગઇ છે તેમની જગ્યા ખાલી થઇ ગઇ છે, તે ઉપરાંત વર્ગ 1ના ડોકટર આરએમઓની જગ્યા ખાલી છે. ઉપરાંત એનેસ્થેટીક ડોકટરની જગ્યા પણ ખાલી છે તો ડો. આશીષ કુછડીયાએ ખાનગી હોસ્પિટલમાં જોડાઇ જતાં તેમની જગ્યા પણ ખાલી છે. રૂપાળીબા લેડી હોસ્પિટલ અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં અનેક ડોકટરની જગ્યા ખાલી હોવાથી જો સમયસર જગ્યા ભરવામાં નહીં આવે તો નાછુટકે કોંગ્રેસ દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવી પણ ચિમકી રામદેવભાઇ મોઢવાડિયાએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...