પોરબંદરના રતનપર વિસ્તારના દરિયાઈ પટ્ટી પર સિંહે ત્રણ માસથી મુકામ કર્યો છે. સિંહની પ્રકૃતિ આમ તો જંગલ વિસ્તારની જ છે. પ્રકૃતિ પ્રેમીઓએ સિંહને કોલંબસ નામ પણ આપ્યું છે. સિંહ સાંજના સમયે રસ્તો પસાર કરે છે ત્યારે અનેક પ્રવાસીઓ અને સ્થાનિકોએ સિંહ દર્શન કર્યા છે અને રતનપર ગામે તો સિંહની ડણક પણ સાંભળવા મળે છે.
20 વર્ષ બાદ સિંહ આ વિસ્તારમાં આવ્યો છે અને આ વાતાવરણ સિંહને અનુકૂળ આવ્યું છે ત્યારે આ સિંહ અહીજ મુકામ કરે તેમજ ધીરેધીરે બરડા જંગલમાં પોતાની ટેરીટરી વિકસાવે તો સોનામાં સુગંધ ભળી જાય તેવું જણાવી પોરબંદરના પ્રકૃતિ ધ યુથ સોસાયટી ના ડો. સિદ્ધાર્થ ગોકાણીએ વધુમાં જણાવ્યું હતુંકે, એશિયાટિક સિંહો માત્ર સૌરાષ્ટ્રમાં જ છે અને આવા સિંહો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
પોરબંદરમાંગાંધીજીનું જન્મ સ્થળ, ચોપાટી સહિતના સ્થળો ઉપરાંત સ્થાનિક અને વિદેશી પક્ષીઓ પણ આકર્ષણનું કેન્દ્ર છે ઉપરાંત પોરબંદરમાં એરપોર્ટ, પોર્ટ, રેલ્વે સહિતની સુવિધા છે. સિંહ આવ્યો છે અને મુકામ કર્યું છે.
ત્યારે પોરબંદરમાં ઔધોગિક ક્ષેત્ર નહીતો પર્યટન ક્ષેત્ર તરીકે વિકાસ કરી શકાય છે અને તેના માટે સિંહ મહત્વની ભૂમિકા છે. ટુરિસ્ટ નો મોટો વર્ગ છે ત્યારે પોરબંદરનો પર્યટન ક્ષેત્રે વિકાસ થઈ શકે છે જેના માટે સિંહ ને વધાવવા જ રહ્યો તેવું પણ ડો. સિદ્ધાર્થ ગોકાણીએ અપીલ સાથે જણાવ્યું હતું.
બરડા વિસ્તારમાં સિંહ નું મુકામ માટે પ્રયાસ
વન વિભાગ ના આરએફઓ એસ.આર. ભમ્મરે જણાવ્યું હતુંકે, સિંહ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં રહે છે અને આખરે તો સિંહ જંગલ પ્રકૃતિનો જ છે. બરડા જંગલ મોટું છે અને ત્યાં પણ અનુકૂળ વાતાવરણ છે જેથી ધીરેધીરે આ સિંહને બરડાના જંગલમાં વસવાટ કરે તેવા પ્રયાસ કરવામાં આવશે.
સિંહે હજુસુધી મનુષ્ય પર એટેક કર્યો નથી
વન વિભાગના આરએફઓ એ જણાવ્યું છેકે, ત્રણ માસથી સિંહ આવ્યો છે. હજુસુધી સિંહે માણસ પર એટેક કર્યો નથી. જ્યાં સુધી સિંહને રંઝાડવા માં ન આવે ત્યાં સુધી તે એટેક કરતો નથી આથી સિંહ દેખાઈ તો તેને રંઝાડવો નહિ તેમજ પશુ પાલકોએ પોતાના પશુઓને સુરક્ષિત રાખવા માટે દીવાલો ઊંચી રાખવી તેમજ લાઈટ ની વ્યવસ્થા કરવી જોઈએ. સિંહ દ્વારા પશુ માલિકીના પશુનું મારણ કરવામાં આવે તો સરકાર દ્વારા યોજના મુજબ વળતર પણ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.