ક્રાઇમ:દૂરના સંબંધીને ત્યાં ગયેલા યુવાને પરિણીતાની છેડતી કરતા પતિ, પત્નીએ યુવાનની હત્યા કરી

પોરબંદર,બગવદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોઢવાડા ગામે અડવાણાના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

મોઢવાડા ગામે અડવાણાના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ યુવાન દૂરના સબંધીને ત્યાં ગયો હતો અને આ યુવાને પરણીતાની છેડતી કરતા પતિ પત્નીએ યુવાનની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. બનાવની વિગત મુજબ પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતો અરવિંદ મધાભાઈ વાધેલા નામનો 26 વર્ષીય યુવાન ગત રવિવારે મોઢવાડા ગામે દેવીપૂજકવાસમાં ગયો હતો. આ યુવાનનું રાત્રીના સમયે કોઈ શખ્સે કુહાડા જેવા તિક્ષણ હથિયાર માથાના ભાગે ઝીંકી દેતા આ યુવાનનું મોત નીપજ્યું હતું.

અરવિંદના ભાઇએ અજાણ્યા વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવાનના હત્યા નો ભેદ ઉકેલવા પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા એસઓજી, એલસીબીના જવાનોની ટીમો બનાવી આજુબાજુમાં રહેતા લોકોની પુછપરછ કરી, શકદાર લખુ ઉર્ફે કાલો ટપુ વાઘેલા અને તેની પત્ની ભીનીબેન ઉર્ફે બેનીને પકડી પુછપરછ કરી હતી જેમાં અરવિંદ વાઘેલા તા. 3 ના રોજ બપોરના ચારેક વાગ્યાનો મોઢવાડા ગામે માંડણભાઈ મોઢવાડીયાને ત્યાં પાડો ઢોર જોવા આવ્યો હતો અને તેના દૂરના સંબંધી લખુ ઉર્ફે કાલોને ત્યાં મોડી રાત સુધી રોકાયેલ.

જ્યાં અરવિંદે ભીનીબેનનો હાથ પકડીને છેડતી કરતા મામલો બીચકયો હતો અને લખુ ઉર્ફે કાલોની પત્ની ભીનીબેને અરવિંદને પકડી રાખ્યો હતો અને લખુએ અરવિંદને કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે પતિ પત્નીને ઝડપી લીધા છે અને આ હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...