ભાસ્કર ફોલોઅપ:શાર્કને ચારો આપવા ડોલ્ફિનનો શિકાર કર્યો; શાર્કના શિકાર માટે શખ્સો નિકળ્યા હતા

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના સમુદ્ર માંથી 22 ડોલ્ફિનના શિકાર કરનાર ટોળકી જેલ હવાલે
  • તામિલનાડુના​​​​​​​ 2 શખ્સે શિકાર માટે એડવાન્સ રૂ. 10 લાખ આપી શખ્સોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો

પોરબંદરના સમુદ્ર માંથી ડોલ્ફિનના શિકાર કરનાર ટોળકી ઝડપાઈ હતી જેના બોટ માંથી 22 ડોલ્ફિન સહિત 4 શાર્ક માછલીના મૃતદેહ મળી આવ્યા હતા. 10 શખ્સને 2 દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. તામિલનાડુ ના શખ્સે આ શખ્સોને શાર્ક ના શિકાર માટે કોન્ટ્રાક્ટ આપી એડવાન્સ રૂ. 10 લાખ આપ્યા હતા. પોરબંદરના સમુદ્રમાં ગત તા. 15/3ના રોજ 12 નોટીકલ માઈલ દૂર ડાયના 2 નામની બોટ ફિશીંગ કરતી હતી ત્યારે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરી બોટની તપાસ કરવામાં આવતા આ બોટ માંથી 22 જેટલી ડોલ્ફિન અને 4 શાર્ક માછલીના મૃતદેહ મળી આવ્યા હતા.

આ બોટમાં ડોલ્ફિનનો શિકાર કરનાર આસામ, કેરલા, ઓરિસ્સા અને તામિલનાડુના 10 શખ્સને ઝડપી લીધા હતા. અને વધુ તપાસ માટે વન વિભાગ દ્વારા રિમાન્ડ સાથે રજૂ કરતા આ શખ્સોને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ સેડ્યુલ 1માં ડોલ્ફિન આવે છે ત્યારે આ શખ્સોના રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ શખ્સોને તામિલનાડુ ના 2 શખ્સે ડોલ્ફિન અને શાર્ક પકડવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને એડવાન્સ પેટે રૂ. 10 લાખ આપવામાં આવ્યા હતા. તામિલનાડુના 2શખ્સના નામ ખુલ્યા છે ત્યારે વન વિભાગ તંત્ર આ બન્ને શખ્સોને પણ ઝડપવા કાર્યવાહી કરશે.

ઝડપાયેલ શિકારીઓ પાસેથી ડોલ્ફિન ના શિકાર કરવા માટેના હથિયાર પણ કબ્જે કર્યા છે. 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓના જામીન અંગે માંગણી કરવામાં આવી હતી પરંતુ સરકારી વકીલ એમ.બી.જાડેજા દ્વારા દલીલ કરવામાં આવતા આ 10 શખ્સોના જામીન જજ ઠાકોરે નામંજૂર કરી શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

1 એપ્રિલના સુનાવણી હાથ ધરવામાં આવશે. કુલ કેટલા રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે અંગે બન્ને શખ્સ ઝડપાશે ત્યારે વધુ વિગત બહાર આવશે. તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ શખ્સો શાર્કના શિકાર માટે નિકડા હતા અને શાર્ક માછલીના શીંગની માર્કેટ વેલ્યુ વધારે હોવાથી તેઓ શાર્કના શિકાર માટે ડોલ્ફિનનો ચારા તરીકે ઉપયોગ કરવા માટે ડોલ્ફિનનો શિકાર કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...