હાલાકી:રસ્તાનું સમારકામ કરાયાના દોઢ માસમાં મસમોટા ગાબડા!

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડીયા હનુમાન મંદિરથી યાર્ડ તરફના રસ્તાની અવદશા

પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર સામે માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે બિસ્માર રસ્તાનું સમારકામ કરાયાના દોઢ માસમાં જ મસમોટા ગાબડા પડી ગયા છે જેથી વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર સામે માર્કેટિંગ યાર્ડ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો.

આ રસ્તા પર મસમોટા ગાબડા પડી ગયા હતા. માર્કેટિંગ યાર્ડ તરફનો મહત્વનો રસ્તો હોય તેમજ રોકડીયા હનુમાન મંદિરે અનેક ભાવિકો આવતા હોય અને મંદિર પાછળ અનેક સોસાયટીઓ આવેલ હોય જેથી આ રસ્તા પર અસંખ્ય વાહન ચાલકો અને સ્થાનિકો તેમજ વેપારીઓ અને ગ્રાહકો પસાર થતા હોય છે.

આ બિસ્માર રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી અનેકવાર રજુઆત બાદ તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ કરી રસ્તા પરના ગાબડા બૂરી રસ્તો સમતલ કરવામાં આવ્યો હતો, પરંતુ દોઢ માસમાં જ આ રસ્તા પર ફરી મસમોટા ગાબડા પડી જતા સ્થાનિકો અને વેપારીઓમાં આશ્ચર્ય સર્જાયું છે.

સ્થાનિક વેપારીએ જણાવ્યું હતુંકે, આ અતિ બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ દોઢ માસ માંજ પહેલા વરસાદમાં રસ્તા પર મોટા ગાબડા પડી જતા ફરી વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. આ રસ્તાનું સમારકામ યોગ્ય રીતે કરવું જોઈતું હતું. આ રસ્તે ફરી ગાબડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. જેથી આ રસ્તા પરના ગાબડામા ફરી યોગ્ય સમારકામ કરવામાં કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...