દરેક વસ્તુમાં ભાવ વધારો:ટમેટાનો ભાવ રૂપિયા 80 એ પહોંચતા ગૃહિણીઓ અકળાઇ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય માણસની આવકમાં વધાર થયો નથી
  • લીંબુ બાદ ટામેટાના ભાવમાં વધારો થતા રસોડાનું બજેટ ખોરવાયું

સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં વધેલા લીંબુના ભાવ બાદ હવે ટમેટાના ભાવમાં પણ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી છે. પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં દરેક ચીજ-વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જેને કારણે ગૃહિણીઓને હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલનો ભાવ રૂ. 100 ને પાર થઈ ગયો છે અને ખાદ્ય તેલના ડબ્બામાં પણ 500 થી 700 જેવો ઉછાળો આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી લીંબુના ભાવ 300 થી 400 સુધીના બોલાય રહ્યા છે ત્યારે હવે તમે ટમેટાના ભાવમાં પણ એક જ અઠવાડિયામાં રૂપિયા 50 થી 60 જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. પોરબંદરની શાકમાર્કેટમાં ટમેટાના ભાવ 70 થી 80 જેવા બોલાઇ રહ્યા છે. આ ઉપરાંત ગેસના બાટલાના ભાવ પણ 1000 થઈ ગયા છે.

આમ ચારે તરફથી થતાં ભાવ વધારાને કારણે ગૃહિણીઓ અકળાઈ ઉઠી છે. કોમર્શિયલ ગેસના ભાવમાં પણ ધરખમ વધારો આવી જતા રેસ્ટોરન્ટ અને હોટલના ધંધાર્થીઓને પણ આ ભાવ વધારો નડી રહ્યો છે. સરેરાશ દરેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે પરંતુ સામાન્ય માણસની આવકમાં વધારો થયો નથી તેથી ગરીબ અને મધ્યમ પરિવારોને જીવન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...