ક્રાઇમ:પોરબંદરની બોટનું 6 ખલાસીઓ સાથે અપહરણ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાપાક પાકિસ્તાનના કબ્જામાંથી પોરબંદરની 800 સહિત દેશની 1189 બોટો મુકત કરાવવા માંગ

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ ગઇકાલે પોરબંદરની એક બોટ અને છ માછીમારના અપહરણ કર્યા છે ત્યારે કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત કરીને પાક કબ્જામાંથી બોટો અને માછીમારોની મુકત કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.પોરબંદરના માછીમાર આગેવાન હીરાલાલભાઈ શિયાળ, મનીષભાઈ લોઢારી,વિરેન્દ્રભાઈ શિયાળ, હેરી કોટિયાએ કેન્દ્ર સરકારની નબળી નીતિની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને જણાવ્યું છે કે, પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોને ઉઠાવી જવાતા હવે પાકિસ્તાનમાં 1189 ફીશીંગ બોટો અને 637 માછીમારો છે

જેને વહેલી તકે મુકત કરાવવા જોઈએ. એક બાજુ કોરોનાને લીધે માછીમારી ઉદ્યોગમાં ભારે મંદીનું મોજું જોવા મળી રહ્યું હતું અને માંડ તેનો ભય ગયો છે ત્યાં તો બીજી બાજુ દરિયાઈ પટ્ટી ઉપર આડેધડ ઉદ્યોગો ખડકાઇ ગયા હોવાથી દરિયાઈ પ્રદુષણમાં વધારો થતા માછીમારોના ટ્રીપના દિવસો લંબાઈ ગયા છે તેમ છતાં પુરતા પ્રમાણમાં માછલા મળતા નથી. તો ત્રીજી બાજુ પાકિસ્તાનના નાપાક ચાંચીયાઓની હરકત વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા નજીકથી મોટી માત્રામાં બોટો અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના કબ્જામાં હાલમાં 1189 બોટ છે જેમાંની મોટાભાગની ફિશિંગ બોટો ભંગાર હાલતમાં ફેરવાઇ રહી છે તેની કિમત અબજો રૂપિયામાં ગણવામાં આવે છે. દેશની અમુલ્ય સંપતિ એવી આ બોટો મુક્ત નહી થતા માછીમારી ઉદ્યોગને ખુબ મોટું નુકશાન થઇ રહ્યું છે. તો બીજી બાજુ પાકિસ્તાનની જેલમાં 637 માછીમારો સબડી રહ્યા છે તેને મુકત કરાવવા માટે પણ કેન્દ્રસરકાર ગંભીર બની નથી. મહત્વની બાબત એ છે કે પાકિસ્તાનના કબ્જામાં રહેલી 1189 ફિશિંગ બોટોમાંથી અંદાજે 800 જેટલી બોટ અમારા પોરબંદરના બોટ માલિકોની છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતો પોરબંદર માછીમારી ઉદ્યોગ હંમેશા તંત્રની ઉદાસીનતાનો ભોગ બનતો આવ્યો છે પોરબંદરના માછીમારી ઉદ્યોગને પાયાની સુવિધાઓ આપવામાં પણ જવાબઘર તંત્ર ઉણું ઉતર્યું છે અને બોટ અને માછીમારોની મુકિત માટે પણ ગંભીર નથી. તેમ જણાવીને પોરબંદરના આગેવાનોએ તે અંગે સરકારને રજૂઆત કરીને માછીમારોના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ કરવા અને તેઓને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...