તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરનો પરિપત્ર:સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજીયાત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા કલેક્ટરનો પરિપત્ર : સરકારી કર્મચારીઓની સલામતીને લઈને પરિપત્ર બહાર પડાયો
  • સેવા સદન 1માં હેલ્મેટ પહેર્યા વિના આવેલ ચાલકોના બાઇક બહાર રખાવાયા

પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સરકારી કર્મીઓની સલામતીને લઈને પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં દરેક સરકારી કચેરીના કર્મીઓએ હેલ્મેટ પહેરવું ફરજીયાત કર્યું છે. જે પરિપત્રની અમલવારી ગઈકાલે શનિવારથી શરૂ કરી જિલ્લા સેવા સદન 1મા હેલ્મેટ પહેર્યા વિના આવેલ ચાલકોના બાઇકો બહાર રાખવામાં આવે છે.

ધ મોટર વ્હીકલ એકટ 1988 પ્રિન્સીપલ એકટ સેક્શન 129 મુજબ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. પોરબંદર જિલ્લામાં હાલ હેલ્મેટ પહેરીને કોઈ બાઇક ચાલક નીકળતો જોવા મળતો નથી. પોરબંદર જિલ્લામાં છાસવારે અકસ્માતો સર્જાય છે. વધુ પડતા અકસ્માતોમાં વ્યક્તિને માથામાં ગંભીર ઈંજાઓ પહોંચે છે અને અકસ્માત દરમ્યાન થતી હેડ ઈંજરીના કારણે અનેક લોકો મોતને ભેંટ્યા છે અને અનેક લોકો અકસ્માતના કારણે ગંભીર ઈંજાનો ભોગ બન્યા છે.

મોટાભાગના ટૂ વ્હીલર વાહન ચાલકો વગર હેલ્મેટે વાહન ચલાવતા નજરે ચડે છે, જે કાયદાનો ભંગ છે અને હેલ્મેટ પહેર્યા વગર ચલાવતા વાહન ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને સાથે પોતાના પરિવારની સુખ શાંતિને પણ જોખમમાં મૂકે છે જે ગંભીર બાબત છે.

હેલ્મેટ પહેરવું ફરજીયાત છે જેથી પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માએ પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ, આરટીઓ, જિલ્લા શિક્ષણાધિકારી સયુંકત રીતે ટ્રાફિક અવેરનેસ અને હેલ્મેટના ઉપીયોગ અંગે જાગૃતિ કેળવવા આવતા 15 દિવસ સુધી સધન ઝુંબેશ ચલાવવી તેમજ ટ્રાફિકમાં સલામત રીતે વાહન ચલાવવા અને હેલ્મેટના ઉપીયોગ અંગે કાયદાના પાલન અંગે જરૂરી કાર્યવાહી આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે.

આમ જિલ્લા કલેકટર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવતા દરેક સરકારી કર્મી ટૂ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરશે. આ પરિપત્રની અમલવારી ગઈકાલે શનિવારથી જ સેવા સદન 1 મા શરૂ કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે આવનાર કર્મીઓ તથા અરજદારો માંથી આવેલ તમામ લોકો કે જેઓએ હેલ્મેટ પહેર્યું ન હોય તેઓના બાઇક કચેરી બહાર જ પાર્ક કરાવી દેવામાં આવ્યા હતા.

તમામ પોલીસે ઓન ડ્યુટી, ઓફ ડ્યુટીમાં પણ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું પડશે
જિલ્લાના તમામ પોલીસ કર્મીઓએ ઓન ડ્યુટી તેમજ ઓફ ડ્યુટી, યુનિફોર્મમાં કે સિવિલ કપડામાં પણ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજીયાત રહેશે તેમજ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે તેવું પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કચેરીને જાણ કરવામાં આવી છે.

દરેક કચેરીના વડાએ બાહેંધરી પત્ર આપવાનું રહેશે
જિલ્લાની તમામ સરકારી કચેરીના વડાએ પોતાના તમામ કર્મચારી હેલ્મેટ પહેરીને ટૂ વ્હીલર વાહન ચલાવે તેની જાતે ખાત્રી કરી દિવસ 3 મા પરિપત્રની અમલવારી અંગે પ્રમાણપત્ર મોકલી આપવાનું રહેશે.

સલામતીના ધ્યાને રાખીને આ પરિપત્ર કરવામાં આવ્યો છે. મોટાભાગના અકસ્માતોમાં હેડ ઈંજરી થતી હોય છે. દરેક નાગરિકોએ ટૂ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જ જોઈએ. લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા આવે તેવા પ્રયાસ કરવામાં આવશે અને દરેક લોકો હેલ્મેટ પહેરે તે માટે અપીલ કરૂ છું. > અશોક શર્મા, જિલ્લા કલેકટર

અન્ય સમાચારો પણ છે...