પોરબંદરનો સિવિલ હોસ્પિટલની લેબમાં HBA1C કીટ 1 વર્ષથી ખાલી છે. આ કીટ દ્વારા ડાયાબિટીસના દર્દીનો 3 માસનો સરેરાશ એવરેજ રિપોર્ટ થાય છે પરંતુ કીટ ન હોવાથી ગરીબ દર્દીઓને ફરજીયાત ખાનગી લેબમાં જવું પડે છે.
પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ સારવાર અર્થે આવે છે. આ હોસ્પિટલમાં લેબોરેટરી આવેલ છે. ડાયાબિટીસના દર્દીઓને અહી ટેસ્ટ માટે મોકલવામાં આવતા હોય છે. જિલ્લામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સિવિલ લેબ ખાતે ડાયાબિટીસનો રિપોર્ટ થાય છે પરંતુ ડાયાબિટીસ નો સરેરાશ 3 માસનો એવરેજ રિપોર્ટ છેલ્લા 1 વર્ષથી કાઢી આપવામાં આવતો નથી, કારણકે સિવિલ લેબમાં આ 3 માસનો એવરેજ રિપોર્ટ કાઢવા માટેની HBA1C કીટ છેલ્લા 1 વર્ષથી ખાલી છે.
અને મંગાવવામાં આવી હોવા છતાં કીટ આવી નથી. જેને કારણે આ રિપોર્ટ કઢાવવા માટે ડાયાબિટીસના દર્દીઓને ફરજીયાત ખાનગી લેબમાં રૂપિયા ચૂકવીને જવું પડી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના વિશ્વાસપાત્ર સૂત્રએ જણાવ્યું હતું કે, NCD વિભાગ માંથી મશીન આવેલ હતું. NCD ગ્રાન્ટ માંથી કીટ ખરીદવી કે સિવિલ હોસ્પિટલ ની ગ્રાન્ટ માંથી કીટ લેવી તે અંગે એક બીજા ખો આપતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કીટ ખરીદીની કામગીરી ટલ્લે ચડતા કીટ ના અભાવે દર્દીઓને હાલાકી પડી રહી છે.
ખાનગી લેબમાં કેટલો ખર્ચ આવે?
ડાયાબિટીસ નો 3 માસનો સરેરાશ રિપોર્ટ કાઢવા માટે ખાનગી લેબમાં રૂ. 400 થી રૂ. 600 સુધીનો ખર્ચ કરવો પડે છે.
શું કહે છે આરએમઓ?
અગાઉ HBA 1C કીટ ની ડિમાન્ડ મૂકી હતી. પરંતુ કીટની ખરીદી થઈ શકી ન હતી. જૂની ડિમાન્ડ ને ઘણો સમય થયો છે. હાલ આ કીટની ફરીથી નવી ડિમાન્ડ મૂકવામાં આવી છે. કીટની ખરીદીની પ્રક્રિયા ટૂંક સમયમાં થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.