ખેડૂતો ખુશખુશાલ:પોરબંદરમાં અડધાથી એક ઈંચ વરસાદ

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાવણી કરેલ પાકને પાણી મળી જતા ખેડૂતો ખુશખુશાલ બન્યા

પોરબંદર જિલ્લામાં લાંબા સમય બાદ ફરી અડધોથી એક ઇંચ વરસાદ વરસ્યો હોવાના કારણે વાવણી કરેલ પાકને પાણી મળી જતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મગફળી, કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું છે. મોટાભાગના ખેડૂતોએ ચોમાસાની ઋતુ દરમિયાન મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું. અને આગોતરું વાવેતર કરેલ ખેડૂતોએ તેમના પાકમાં નીંદણ સહિતની કામગીરી કરી લીધી છે, ત્યારે ચોમાસુ પાક વાવેતર કરેલ ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહે તે માટે મેઘરાજાના આગમનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

જુલાઈ માસ સુધીમાં પોરબંદર જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધુ જમીનમાં પાક વાવેતર નોંધાયું છે. જેમાં 11690 હેક્ટરમાં આગોતરું વાવેતર થયું હતું. અને ચોમાસુ વાવેતરની વાત કરવામાં આવે તો 65345 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું ચોમાસુ વાવેતર થયું હતું. આમ મગફળી, કપાસ ઘાસસારો સહિતના પાકનું વાવેતર 1 લાખ હેક્ટરથી વધુ જમીનમાં નોંધાયું છે. છેલ્લા ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો, આ સમય દરમિયાન વાવેતર કરેલ પાકમાં નીંદણ, દવાનો છંટકાવ સહિતની કામગીરી થઈ રહી હતી. અને નીંદણ કર્યા બાદ ખેડૂતો ફરી વરસાદ વરસે તેવી આશા સેવી રહ્યા હતા.

ત્યારે શુક્રવારના દિવસે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદી લાગણી પ્રસરી છે. કારણ કે વરસાદ વરસતા વાવણી કરેલ પાકને પાણી મળી જતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 28મી કુતિયાણામાં 25મી અને રાણાવાવમાં 13 મીમી વરસાદ નોંધાયો છે. આમ પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો લાંબા વિરામ બાદ ફરી અડધોથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

પોરબંદર પંથકમાં 100 ટકા વરસાદથી થોડુક જ છેટું
પોરબંદરમાં આ વખતે મોડેથી શરૂ થયેલા મેઘરાજાએ મોડે મોડે વરસવાનું શરૂ થયા બાદ દે ધનાધન વરસતા સમગ્ર પંથકમાં સારો એવો વરસાદ વરસી ગયો છે. જેને લીધે હવે પોરબંદરમાં સરેરાશ વરસાદનો આંકડો 100 ટકા પહોંચવામાં થોડુંક જ બાકી રહ્યું છે. છેલ્લા 30 વર્ષના વરસાદની એવરેજ પરથી તૈયાર કરાયેલ અંદાજીત વરસાદના સાપેક્ષમાં અત્યાર સુધીમાં પોરબંદર તાલુકામાં 74.44 ટકા, કુતિયાણા તાલુકામાં 91.22 ટકા તથા રાણાવાવ તાલુકામાં 96.22 ટકા વરસાદ વરસી ગયો છે. આમ સમગ્ર જિલ્લામાં એવરેજ 100 ટકા વરસાદ નોંધાવામાં હવે થોડુંક જ બાકી રહ્યું છે.

તાપમાનમાં નહીંવત ઘટાડો નોંધાયો
પોરબંદર જિલ્લામાં આજરોજ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડયા હતા અને જેને કારણે પોરબંદર શહેરમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. પોરબંદરમાં ગઇકાલનું મહત્તમ તાપમાન 32.8 હતું જયારે આજે મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્શીલયસ નોંધાયું હતું જયારે કે આજે 26.2 ડિગ્રી સેલ્શીયસમાં નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...