પોરબંદર હિન્દુ સ્મશાનભૂમિના અંદરના ભાગે આવેલ બાળ સ્મશાન તંત્રની જાળવણીના અભાવે અઘોચરમાં ફેરવાઈ ગયું છે, અને તાત્કાલિક સાફ સફાઈ કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ બનશે. પોરબંદર શહેરમાં પાલિકા હસ્તક આવેલ હિંદુ સ્મશાન ભૂમિના બાળસ્મશાનમાં ચારેબાજુ ઝાળી જાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
પાલિકાના તંત્રની બેદરકારીને લીધે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા બાળકોના મૃતદેહને દફનાવવા માટે જે ચાર વિભાગ બનાવવામાં આવ્યા છે. તેમાંથી બે વિભાગમાં કુંડીઓની ફરતે ઝાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે.
અને તેના કારણે મૃતદેહોને દફનાવવા આવતા લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઝાળી ઝાંખરા લીધે સર્પ જેવા જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે માટે નગરપાલિકાના તંત્રે પોતાની આળસ ખંખેરીને અહીંયા પણ વ્યવસ્થિત સાફ સફાઈ થાય તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ.
અગાઉ કુતરા મૃતદેહોને રેતી ખોદીને બહાર ફેંકતા
અહીંયા અગાઉ કુતરા મૃતદેહોને રેતી ખોદીને બહાર ફેંકી દેતા હતા, ત્યારે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત રીતે કુંડી બનાવીને બાળકોની દફનવિધિ વ્યવસ્થિત રીતે થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. પણ પાલિકાનું તંત્ર તેની જાળવણીમાં ઉઘસીન હોવાથી અહીંયા ચારેબાજુ કચરો ઊડી રહ્યો છે.
મૃતદેહોનો મલાજો જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડયું
અહીંયા મૃતદેહોનો મલાજો જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ નિવડયું છે કારણ કે પોરબંદરમાં જ્યાં બાળકોને દફનાવવામાં આવે છે તે સ્થળે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ જો તંત્ર નિષ્ફળ જાય તો તે પાલિકા માટે શરમજનક બાબત છે.
પાલિકાનું તંત્ર વિકાસની વાતો કરે છે પરંતુ અંતિમ ધામ એવા બાળ સ્મશાનમાં પણ સાફ સફાઈ કરવા માટે પણ તંત્ર ગંભીર બને નહીં તો તે ભયંકર બેદરકારી હોવાથી વહેલી તકે આ બાબતે ગંભીરતા ઘખવીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી થઈ છે.
કોંગ્રેસના અગ્રણી દ્વારા ફરિયાદ કરી યોગ્ય કરવા માંગ કરાય
પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા સ્મશાનના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, અને તેઓએ યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે. અનુસૂચિત જાતિના સ્મશાનમાં અનેક સમસ્યાઓ માત્ર બાળ સ્મશાનની જ નહિ પરંતુ અનુસૂચિત જાતિના સ્મશાનની પણ જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.
તેવું જણાવીને કોંગ્રેસ દ્વારા થયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકાએ અનુસૂચિત જાતિના સ્મશાનમાં શ્વાનનો ત્રાસ વધ્યો છે, જેથી તેને દૂર કરવા માટે પણ કાર્યવાહી કરવી જોઈએ. અહિયાં શ્વાન તથા શિયાળ જેવા પશુઓ આવી શકે નહીં તે માટે ફરતે ફેન્સીંગની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેમજ દફનાવાયેલા મૃતદેહ ફરતે સાફ- સફાઈ કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.