પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી લગભગ અડધો ડઝન જેટલી સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે માછીમારોની અનેક પાયાની સુવિધાઓ જેવી કે પાર્કિંગ, ડ્રેનિંગ, પીવાનું પાણી, ફાયર સેફ્ટી જેવી અનેક સુવિધાઓ સરકારની વહીવટી મંજૂરીઓમાં અટવાયેલી પડી છે. ત્યાં મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા નવા-નવા કાળા કાયદાઓ બનાવવામાં આવે છે, જે માછીમારોને પુરેપુરા બેરોજગાર બનાવી દેશે જેથી તાત્કાલિક ધોરણે આ કાયદા રદ કરવા વિનંતી છે.
નવા-નવા કાળા કાયદાઓ રદ કરવાની માગ
આ સિવાય પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા એવો હુકમ કરવામાં આવેલો છે કે, જે બોટે એક વર્ષ સુધી માછીમારી ન કરેલી હોય, તેવા માછીમારને મળતી ડિઝલ સહાયની પરમીટ રદ કરી દેવી. તો શું માછીમાર બોટ માલિક પોતાના આર્થિક કે અન્ય કોઈ કારણોસર પોતાની બોટ બંધ રાખે તો તે માછીમારને સહાય નહિ. આ કયો અંગ્રેજનો કાયદો ગણવાનો. આ સિવાય 1 ઓગસ્ટથી માછીમારીની સીઝન ચાલુ થતી હોય છે, માછીમારોની માંગ અનુસાર ડીઝલ પુરવઠો પાંચ દિવસ પહેલા બોટોને આપવા વિનંતી કરવામાં આવી છે. તે મત્સ્ય ખાતા દ્વારા સ્વિકારી લેવામાં આવેલી છે અને 27 જુલાઈથી ડીઝલ પુરવઠો બોટમાં આપવાનો આદેશ કરેલો છે. પરંતુ તે ડીઝલ વેટ રીબેટ મૂક્ત આપવાની જાહેરાત કરવામાં આવેલી છે, તે માછીમારો સાથે છેતરપીંડી અને મજાક સમાન છે.
તમામ સમસ્યાઓને લઈને મુખ્યમંત્રીને પત્ર લખાયો
આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બોટોને લગતી તમામ પ્રકારની સેવાઓ બોટ રજીસ્ટ્રેશન, માલિકી ફેરફાર, પોર્ટ ટ્રાન્સફર,નવા ફિશીંગ લાયસન્સ, બોટ મોર્ગેજ,ફિશીંગ લાયસન્સ રીન્યુઅલ વગેરે માટેની અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવામા આવશે તેવો પરિપત્ર કરેલો છે. જ્યારે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા 22 જૂન, 2022થી મેન્યુલી કામગીરી બંધ કરવામાં આવેલી છે. માછીમારોને વર્ષોથી રાજ્ય સરકાર દ્રારા મળતી સહાયો જેવી કે મશીન,વાયર રોપ્સ,જી.પી.એસ,વગેરે ઉપયોગી સહાયો ઉપર સબસીડી મળતી તે અચાનક મત્સ્યોદ્યોગ દ્રારા અરજી કર્યા બાદ છ મહિને ડ્રો કરીને આપવી તેવો નિર્ણય કરેલ છે. આ તમામ સમસ્યાઓને લઈને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
યોગ્ય પગલાં લેવાં રજૂઆત કરવામાં આવી
આ સિવાય મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા ઘણી બોટોનો સર્વે કરવાનો હજુ બાકી છે. 1 ઓગષ્ટથી માછીમારીની સીઝન ચાલુ થતી હોય છે ત્યારે બોટ માલિકોને પ્રથમ ફિશીંગ ખુબ જ અગત્યની હોય છે. ત્યારે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા બોટ માલિકોને સુચના આપવામાં આવેલી કે સાત દિવસની અંદર સર્વે કરાવી લેવું અને જે બોટ સર્વે થયેલો હશે તેમને જ માછીમારી કરવા માટે ટોકન ઇશ્યુ કરવામાં આવશે. ઉપરાંત પાકિસ્તાન ખાતે પકડાયેલા ભારતીય માછીમાર પાકિસ્તાનની જેલમાંથી છુટે નહીં ત્યાં સુધીનાં સમયગાળા માટે માછીમારોના કુટુંબના જીવન નિર્વાહ માટે દૈનિક રૂ. 300ની આર્થિક સહાય ચુકવવામાં આવે છે. તે ઠરાવને બદલીને મત્સ્યોદ્યોગ દ્વારા નવો ઠરાવ કરવામાં આવેલો છે કે જે માછીમાર પકડાય છે, તેમની પત્નીને જીવન નિર્વાહ ભથ્થુ માટે ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય મળવાપાત્ર રહેશે. પરંતુ આ ઓનલાઈન અરજી કરવામાં માછીમારોના પરિવારને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. જેને લઈને યોગ્ય પગલાં લેવાં રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.