તાજેતરમાં તા. 4 અને 5માર્ચના રોજ કોલકત્તાના પ્રગતિસિંઘ ગ્રાઉન્ડ પર ઇન્ડિયન ગ્લેડીયટર્સ અને ઇન્ડિયન ફાઈટર્સની ટીમ વચ્ચે મુકાબલા થયો હતો. આ ટુર્નામેન્ટ વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10 - 10 ઓવરની રમાઈ હતી. આ ફાઇનલ મુકાબલામાં ઇન્ડીયન ગ્લેડીયટર્સ ટીમના કેપ્ટન પોરબંદરના ભીમા ખૂંટીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ઇન્ડિયન ફાઈટર્સ ટીમે તાબડતોબ બલ્લેબાજી કરીને માત્ર 10 ઓવરમાં 3 વિકેટના નુકશાને 143 રન ખડકી દીધા હતા. તેના જવાબમાં ઇન્ડિયન ગ્લેડીયટર્સ ટીમે માત્ર 7.3 ઓવરમાં 9 વિકેટે ફાઇનલ મેચ જીતીને એક ઈતિહાસ રચી દીધો હતો. ઇન્ડિયન ગ્લેડીયટર્સની ટીમ તરફથી રાજા બાબુના 60 રન અકાર અવસ્થીના 42 અને ભીમા ખૂંટીના 20 રન સામેલ હતા અને સાથે ભીમાએ એક ડાયરેક્ટ હિટ દ્વારા રન આઉટ પણ કર્યો હતો.
પોરબંદરના ભીમા ખૂંટીએ ફરી એક વખત ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે ભારતના સ્ટાર બોલર આર.પી. સિંહના હાથે ભીમા ખૂંટીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને સાથે ભારતના સ્ટાર બેટ્સમેન વિનોદ કામ્બલી તથા વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અભય પ્રતાપ સિંહ અને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન સોમજીત સિંહે પણ ભીમા તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.