ઇતિહાસ:ગુજરાત સ્થાપનાથી લઇ અત્યાર સુધીના પોરબંદર- કુતિયાણા બેઠકના લેખાજોખા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમા ભારતીય જનસંઘના ઉમેદવાર વસનજી ઠકરાર જયારે વિજય થયા ત્યારે તેમના વિજય સરઘસમાં પોરબંદરના માથા સરમણભાઈ મુંજા, રામાભાઈ ઓડેદરા, ગોવિંદ ટીટી, નારણ સુધા જોડાયા હતા - Divya Bhaskar
પોરબંદરમા ભારતીય જનસંઘના ઉમેદવાર વસનજી ઠકરાર જયારે વિજય થયા ત્યારે તેમના વિજય સરઘસમાં પોરબંદરના માથા સરમણભાઈ મુંજા, રામાભાઈ ઓડેદરા, ગોવિંદ ટીટી, નારણ સુધા જોડાયા હતા
  • પોરબંદર પર 33 વર્ષ કોંગ્રેસે, 27 વર્ષ ભાજપે અને કુતિયાણમાં 23 વર્ષ કોંગ્રેસે અને 17 વર્ષ ભાજપે રાજ ચલાવ્યું

ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ચુંટણીના માહોલ વચ્ચે ગુજરાતની એક એક બેઠકના લેખાજોખા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીની જન્મભૂમી પોરબંદર જીલ્લાની પોરબંદર અને કુતિયાણા બેઠક પર લોકમુખે ચર્ચાઇ રહી છે. આ બંને બેઠકનો પોતાનો આગવો ઇતિહાસ છે. આ બંને બેઠકે હંમેશા આશ્ચર્યજનક પરિણામો પણ આપ્યા છે. આ બંને બેઠક પર કોંગ્રેસ અને ભાજપ પક્ષનું અલગ અલગ સમયે વર્ચસ્વ રહ્યું છે.

પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર પી. ડી. કક્કડ ધારાસભ્ય રહ્યા

ગુજરાતની સ્થાપના થઇ ત્યારે 1962 થી લઇ 1972 સુધી પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર પી. ડી. કક્કડ ધારાસભ્ય રહ્યા હતા. 1972 થી 1975 સુધી કોંગ્રેસના માલદેવજીભાઇ ઓડેદરા, 1975 થી 1980 સુધી ભારતીય જનસંઘ એટલે કે ભાજપની પૂર્વપાંખ ભારતીય જનસંઘના વસનજીભાઇ ઠકરાર ધારાસભ્ય રહ્યા હતા.1980 થી 1985 કોંગ્રેસના શશીકાન્તભાઇ લાખાણી, 1985 થી 1990 કોંગ્રેસના લખમણભાઇ આગઠ, 1990 થી 1995 જનતાદળમાંથી શશીકાન્તભાઇ લાખાણી, 1995 થી 2002 સુધી ભાજપના બાબુભાઇ બોખીરીયા, 2002 થી 2012 સુધી કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયા, 2012 થી 2022 સુધી ભાજપના બાબુભાઇ બોખીરીયા ધારાસભ્ય પદે રહ્યા હતા.

કાંધલભાઇ જાડેજા ધારાસભ્ય તરીકે ચુંટાઇને આવ્યા
જયારે કે જીલ્લાની કુતિયાણા બેઠક પર 1962 થી 1967 સુધી કોંગ્રેસના માલદેવજીભાઇ ઓડેદરા, 1967 થી 1972 સુધી સ્વતંત્ર પાર્ટીના બી. બી. ગજેરા, 1972 થી 1975 સુધી કોંગ્રેસના અરજન વેજા નંદાણીયા, 1975 થી 1980 સુધી કોંગ્રેસના સામત વેજા કાંબલીયા, 1980 થી 1990 સુધી કોંગ્રેસના મહંત વિજયદાસજી, 1990 થી 1995 સુધી જનતાદળના સંતોકબેન જાડેજા, 1995 થી 1998 અપક્ષ ભુરાભાઇ કડછા, 1998 થી 2012 સુધી ભાજપના કરશનભાઇ દુલાભાઇ ઓડેદરા અને 2012 થી 2022 સુધી એન.સી.પી.ના કાંધલભાઇ જાડેજા ધારાસભ્ય તરીકે ચુંટાઇને આવ્યા છે.

ભારતમાં ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનો ડંકો વાગતો ​​​​​​​
​​​​​​​આમા બંને બેઠક જોવા જઇએ તો પોરબંદરમાં કોંગ્રેસે 33 વર્ષ અને ભાજપે 27 વર્ષ રાજ કર્યું છે. 1975 માં સમગ્ર ગુજરાત અને ભારતમાં ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનો ડંકો વાગતો હતો ત્યારે પોરબંદર બેઠકે આશ્ચર્યજનક પરિણામ આપી તે વખતે ભાજપની પૂર્વ પાંખ ભારતીય જનસંઘના વસનજીભાઇ ઠકરારને વિજયી બનાવ્યા હતા. તેનાથી તદન ઉલ્ટું ગોધરાકાંડ અને ત્યારબાદ થયેલા રમખાણો બાદ 2002 માં યોજાયેલી ચુંટણી સમયે સમગ્ર ગુજરાતમાં ભાજપની જોરદાર લહેર હતી ત્યારે આ બેઠક પર કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાને વિજય અપાવી આ બેઠકે આશ્ચર્યજનક પરિણામ આપ્યાનો ઇતિહાસ છે.

આશ્ચર્યજનક પરિણામો આપ્યા હોવાનો ઇતિહાસ નોંધાયેલો
તેવી જ રીતે કુતિયાણા બેઠકની વાત કરીએ તો કુતિયાણામાં 23 વર્ષ કોંગ્રેસે અને ભાજપનું 17 વર્ષ શાસન રહ્યું છે. જેમાં જયારે 1967 માં કોંગ્રેસનો ડંકો વાગતો હતો ત્યારે આ બેઠક થી સ્વતંત્ર પાર્ટીના બી. બી. ગજેરાને જીતાડીને અને 1995 માં ભાજપનો ડંકો વાગતો હતો ત્યારે અપક્ષના ભુરાભાઇ કડછાને જીતાડીને તથા 2012 અને 2017 માં પણ ભાજપની લહેર વખતે એન.સી.પી.ના કાંધલભાઇ જાડેજાને જીતાડીને આ બેઠકે આશ્ચર્યજનક પરિણામો આપ્યા હોવાનો ઇતિહાસ નોંધાયેલો છે.

બંને બેઠકોએ મંત્રી અને પ્રદેશ પ્રમુખો પણ આપ્યા છે
પોરબંદર જીલ્લાની પોરબંદર અને કુતિયાણા બંને બેઠકો પરથી જીતેલા ધારાસભ્યો કેબીનેટ મંત્રી અને રાષ્ટ્રીય પક્ષના પ્રદેશ પ્રમુખ બન્યા હોવાનો પણ જવલંત ઇતિહાસ નોંધાયેલો છે. જેમાં પોરબંદર બેઠક પરથી ચુંટાયેલા માલદેવજીભાઇ ઓડેદરા, શશીકાન્તભાઇ લાખાણી, બાબુભાઇ બોખીરીયા કેબીનેટ મંત્રી રહી ચૂકયા છે તો અર્જુનભાઇ મોઢવાડીયા એક વખત વિપક્ષના નેતા અને એક વખત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂકયા છે. જયારેકે કુતિયાણા બેઠક પરથી માલદેવજીભાઇ ઓડેદરા અને મહંત વિજયદાસજી કેબીનેટ મંત્રી રહી ચૂકયા છે તો કોંગ્રેસ જયારે સત્તામાં હતી ત્યારે કુતિયાણામાંથી વિજયી બનેલા મહંત વિજયદાસજી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહ્યાનો પણ ઇતિહાસ નોંધાયેલો છે.

પોરબંદર કુતિયાણામાં ત્રીજો પક્ષ અને અપક્ષના વિજયનો પણ ઇતિહાસ છે
પોરબંદર બેઠક પર 1990 માં ભાજપ, કોંગ્રેસને બાદ કરતા જનતાદળના શશીકાન્તભાઇ લાખાણી પણ વિજેતા થયેલા છે તો કુતિયાણા બેઠક પર 1967 માં સ્વતંત્ર પાર્ટીના બી. બી. ગજેરા, 1990 માં જનતાદળના સંતોકબેન જાડેજા, 1995 માં અપક્ષના ભુરાભાઇ કડછા અને 2012 થી 2022 સુધી એન.સી.પી.ના કાંધલભાઇ જાડેજા ભાજપ કોંગ્રેસમાં ન હોવા છતાં વિજેતા બન્યા હોવાનો ઇતિહાસ નોંધાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...