જરૂરિયાત:સરકારી લેડી હોસ્પિટલમાં પુરુષો માટેના શૌચાલયની સુવિધા નથી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દી સાથે આવતા પરિવારજનો માટે ભોજન કરવાની ખાસ વ્યવસ્થા નહીં
  • ખુલ્લામાં ભોજન કરી રહ્યા છે, શેડ બનાવવા તાતી જરૂરિયાત

સરકારી લેડી હોસ્પિટલ ખાતે હજુ પણ પુરુષો માટે શૌચાલય બનાવવામાં આવ્યું નથી. તેમજ દર્દી સાથે આવતા પરિવારજનો માટે ભોજન કરવાની ખાસ વ્યવસ્થા નથી જેથી ખુલ્લામાં ભોજન કરી રહ્યા છે. અહી પટાંગણમાં શેડ બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

પોરબંદર જિલ્લાની સરકારી લેડી હોસ્પિટલ ખાતે જિલ્લા ભરના મહિલા દર્દીઓ સારવાર માટે આવે છે. અને ડિલિવરી દરમ્યાન, ઇમરજન્સી કેસમાં દાખલ થાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના મહિલા દર્દીઓ બહારગામથી પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે આવે છે અને સારવાર માટે, ડિલિવરી દરમ્યાન દાખલ થાય છે. આ મહિલા દર્દીઓ સાથે તેના પતિ, પરિવારજનો પણ આવે છે અને મહિલા દાખલ હોય ત્યારે તેમના પરિવારજનો માંથી પુરુષો પણ પટાંગણમાં બેસી રહેતા હોય છે.

મહત્વની વાત એ છેકે, લેડી હોસ્પિટલ ખાતે અંદરના મહિલા વોર્ડમાં પુરુષો જતા ન હોય, અને સ્વાભાવિક રીતે જ ક્ષોભ અનુભવતા હોય છે. રાત્રિના સમયે પુરુષો પ્રાંગણમાં રહે છે. આ લેડી હોસ્પિટલમાં પટાંગણમાં પુરુષો માટે શૌચાલય નથી. અને લાંબા સમયની માંગ હોવા છતાં અહી પુરુષો માટે શૌચાલય ની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી પુરુષોને લઘુશંકા કરવા પણ હોસ્પિટલની બહાર જવું પડે છે. આસપાસ આ સુવિધા ન હોવાથી છેક, ભાવસિંહજી હોસ્પિટલ સુધી જવું પડે છે.

આ પુરુષો સાથે પોતાના નાના બાળકો પણ હોય છે ત્યારે બાળકોનો મૂકીને શૌચાલય સુધી પહોંચવું પડે છે જેથી ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. આ ઉપરાંત મહિલા દર્દી સાથે આવેલ પરિવારજનો માટે ભોજન કરવા માટે બેઠક વ્યવસ્થા નથી. જેને કારણે દર્દીના પરિવારજનો પટાંગણમાં ખુલ્લામાં નીચે અથવા ઝાડની ફરતે બેઠક પર ભોજન કરી રહ્યા છે. ત્યારે આ લેડી હોસ્પિટલના બહારના પટાંગણમાં પુરુષો માટે શૌચાલય બનાવવામાં આવે તેમજ પટાંગણમાં ભોજન માટેની શેડ સાથેની બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

ચોમાસામાં હાલત કફોડી
હોસ્પિટલના જ સ્ટાફે જણાવ્યું હતુંકે, પુરુષો માટે શૌચાલય નથી અને ભોજન માટે શેડ સાથે બેઠક વ્યવસ્થા નથી જેથી ચોમાસા દરમ્યાન વરસતા વરસાદમાં ખુલ્લામાં ભોજન કરી શકાય નહિ અને સાઈડમાં ઊભીને દર્દીના પરિવાર જનો ભોજન કરતા હોય છે અને વરસતા વરસાદમાં પુરુષો હોસ્પિટલ બહાર અન્ય સ્થળે શૌચ ક્રિયા કરવા જતા હોય છે.

રાત્રીના સમયે ભોજન કરવામાં વધુ મુશ્કેલી
સરકારી લેડી હોસ્પિટલ ખાતે ભોજન કરવા માટેની શેડ સાથે બેઠક વ્યવસ્થા નથી જેથી પટાંગણમાં ખુલ્લામાં બેસી ભોજન ગ્રહણ કરવું પડે છે. ખાસકરીને રાત્રિના સમયે મચ્છર, જીવાતો ઊડતી હોય છે. વળી દવાની દુર્ગંધ વચ્ચે ભોજન કરવું પડે છે જેથી ખૂબ મુશ્કેલ પડે છે તેવું દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...