હાલાકી:શહેરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલ સુવિધા વિહોણી બની

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોજન કક્ષ અને કેન્ટીંગની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થાય છે: કોંગ્રેસે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી

પોરબંદરની જિલ્લા કક્ષાની એકમાત્ર ભાવસિંહજી હોસ્પિટલમાં જિલ્લાભરના છેવાડાના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. અને અહીં દર્દીઓ સાથે તેમના પરિવારજનો આવે છે. ત્યારે જમવા માટે ભોજન કક્ષ, કેન્ટીનની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. ઉપરાંત અનેક સમસ્યાઓના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા હોવા અંગે કોંગ્રેસ દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે પોરબંદરની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં જિલ્લાભર અને શહેરી વિસ્તારમાંથી લોકો સારવાર માટે આવે છે, પરંતુ અહીં દર્દીઓ સાથે આવેલ સ્વજનો માટે બહાર કમ્પાઉન્ડમાં બેસવું પડે છે. રાત્રિના સમયે જીવજંતુનો ઉપદ્રવ વધુ હોવાથી લોકો જમી શકતા નથી. દર્દીઓના સ્વજનો માટે ભોજન કક્ષની સુવિધા ઉપલબ્ધ નથી. દર્દીઓ ચા કોફી અને નાસ્તા માટે બહાર જવું પડે છે. રાત્રિના સમયે દુકાનનો બંધ થતી હોવાથી લોકો હેરાન પરેશાન થાય છે.

દર્દીઓ સાથે આવતા તેમના પરિવારજનોને આરામ કરવા માટે આરામ ગૃહની કોઈ વ્યવસ્થા નથી. હોસ્પિટલમાં મચ્છર સહિત જીવ જંતુનો ઉપદ્રવ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ આ ગંદકી અને જીવ જંતુના કારણે બીમાર પડે છે. દર્દીઓને રિલેક્સ કરવા માટે પહેલા હોસ્પિટલમાં મ્યુઝીયમ સિસ્ટમ હતી, પણ હાલ તે બંધ છે. હોસ્પિટલમાં સ્વાનના આટાફેરા વધ્યા છે. હોસ્પિટલમાં ચારે બાજુ ગંદકીના ગંજ ખદબદી રહ્યા છે. જેથી ભોજન કક્ષ કેન્ટિંગ આરામ ગૃહ સહિતની સગવડ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવે તેવી માગ કરાય છે.

સોનોગ્રાફી કરાવવા એક મહિના સુધી રાહ જોવી પડે છે
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે દર્દીઓને એક મહિના પછીની તારીખ આપવામાં આવે છે. અમુક દર્દીઓને એમર્જન્સી હોય કે તાત્કાલિક ઓપરેશનની જરૂર હોય તો તે દર્દીઓને ફરજિયાત પણે ખાનગીમાં સોનોગ્રાફી કરાવવી પડે છે. જેથી કોંગ્રેસ દ્વારા તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...