પોરબંદરનો ભારતમાં સમાવેશ:ગાંધી ભૂમીમાં 15 ઓગસ્ટ 1947ની હર્ષભેર ઉજવણી કરી હતી પરંતુ 7 માસ બાદ ભારત સંઘમાં ભળ્યું હતું

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર ભારત સંઘમાં ભળશે કે કેમ ? પ્રજાને સતાવતો હતો પ્રશ્ન

આજથી 75 વર્ષ પૂર્વે અંગ્રેજોની સદીઓ પુરાણી ગુલામીમાંથી દેશ મુક્ત થયો ત્યારે દેશની આઝાદીના પર્વનો ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશને 15 મી ઓગષ્ટ 1947 ના રોજ આઝાદ કરવામાં આવશે તે સમાચારની સાથે જ પોરબંદર શહેરમાં આઝાદીને લઈને અનેરો થનગનાટ ફેલાયો હતો તો બીજી તરફ અંગ્રેજો દ્વારા દેશી રજવાડાઓને સ્વતંત્ર રહેવાનો વિકલ્પ અપાતા પોરબંદરવાસીઓમાં પોરબંદરના રાજવી ભારત સંઘમાં ભળશે ? કે સ્વતંત્ર રહેશે ? તે અંગેનો પ્રશ્ન ભય પમાડી રહ્યો હતો. પરંતુ પોરબંદરના રાજવીઓએ આઝાદીના પૂર્વ દિને આઝાદી પર્વની ઉજવણીની જાહેરાત કરતા પોરબંદર ભારત સંઘમાં મળશે તેવો સંકેત મળી જતાં પોરબંદરવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. અને બીજા દિવસે આઝાદીને વધાવવા પોરબંદરમાં ભવ્ય ઉજવણું કરવામાં આવ્યું હતું. જો કે પોરબંદર વિધીવત રીતે બાદમાં ભારત સંઘ સાથે જોડાયું હતું.

સૌરાષ્ટ્રના સાગર કિનારે વસેલું પોરબંદર આઝાદી પૂર્વે જેઠવા વંશના રાજવીઓ દ્વારા શાસિત રાજ્ય હતું. જેઠવા વંશના રાણા હાલોજી એ 1804 માં રાજગાદી સંભાળ્યા બાદ આસપાસની રીયાસત જૂનાગઢ અને નવાનગર સાથેના સંઘર્ષમાંથી બચવા કાઠીયાવાડ બ્રિટીશ પોલીટીકલ સરકાર સાથે રાજતાંત્રિક કરાર કર્યો હતો જે પાછળથી વોકર કરાર તરીકે ઈતિહાસમાં પ્રખ્યાત થયો હતો. આ કરાર કરતાની સાથે જ પોરબંદર બ્રિટીશ પોલીટીકલ સરકાર સાથે જોડાયેલું રાજ્ય બની ગયું હતું. પાછળથી ભારતની આઝાદીની ચળવળ પૂરજોશમાં ચાલતા પોરબંદરમાં પણ આઝાદીની ચળવળનો પવન ફૂંકાવા લાગ્યો હતો.

જેને પોરબંદર રાજ્ય દ્વારા ડામી દેવાના પ્રયત્નો કરાતા જ્યારે અંગ્રેજોએ ભારતને 15 મી ઓગષ્ટ 1947 ના રોજ આઝાદી આપવાનું જાહેર કર્યું ત્યારે પોરબંદર રાજ્ય ભારતસંઘમાં ભળશે કે પછી સ્વતંત્ર રાજ્ય બનવાનું પસંદ કરશે ? તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો હતો. પરંતુ પોરબંદરના મહારાણાએ 14 મી ઓગષ્ટ 1947 ના રોજ 15 અને 16 ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાની જાહેરાત કરતા પોરબંદરની પ્રજાને પોરબંદર ભારત સંઘમાં ભળી જશે તેવો સંકેત મળતા ખુશી છવાઈ ગઈ હતી.

આ ખુશીની સાથે પોરબંદરમાં 14 મી ની રાત્રે પોરબંદર શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મધ્યરાત્રી બાદ તા. 15 મી નો પ્રારંભ થતા સુદામાજી મંદિરમાં ભરચક્ક માનવમેદની સમક્ષ ધ્વજપૂજન કરાયું હતું. વહેલી સવારે 7:30 કલાકે પ્રભાતફેરી નીકળી મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન આગળ પહોંચી હતી. બાદમાં રાષ્ટ્રધ્વજવંદનની વિધી કરાઈ હતી. બાદમાં તુરંત જ ક્રિકેટ પેવેલીયન પરથી ભવ્ય સરઘસ યોજવામાં આવ્યું હતું. આ સરઘસ ગાંધીજીના જન્મસ્થળ પાસેથી થઈ 9:30 કલાકે સુદામા ચોકમાં પહોંચ્યું હતું અને પોરબંદરના યુવરાજ દરબારગઢમાં શહેરીજનોના મોટા સમુદાય અને અધિકારી વર્ગ સાથે રાજ્યની ગાદીના દર્શન કરી સુદામાચોકમાં પહોંચ્યા ત્યારે રાષ્ટ્રધ્વજ અને રાજધ્વજ નું આરોહણ કરી વંદન કર્યું ત્યારે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ વખતે સ્ટેટ મિલ્ટ્રી દ્વારા બેન્ડ સલામી આપવામાં આવી હતી તેમજ સુદામા મંદિરમાં પ્રભુસ્તવન કરવામાં આવ્યું હતું. સાંજના 5 કલાકે મ્યુનિસીપાલીટીની જનરલ કમીટીની ખાસ બેઠક મળી હતી અને 5:30 વાગ્યે ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલમાં નગરજનોની ખાસ સભા મળી હતી. રાત્રીએ સુદામા મંદિર, હનુમાન ચોક ફૂવારો (જુનો ફૂવારો), ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલ તથા મ્યુનિસીપલ હોલને રોશનીથી શણગારી દેવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસના બીજા દિવસે સાંજના સમયે ધી મીકોનકી ક્લબમાં એટ હોમ રાખવામાં આવ્યું હતું. ત્યાં નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્નેહ સંમેલન તથા ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આઝાદીની લડત દરમિયાન પોરબંદરના પ્રજાપ્રિય રાજવીને કાળી ટીલી લાગી હતી
પોરબંદરમાં આઝાદીની ચળવળનો પવન ફૂંકાતો હતો તે સમય 22/23 નવેમ્બર 1921 ના રોજ પોરબંદરના માણેકચોક તથા ખારવાવાડમાં વઢવાણ સ્વાતંત્ર્ય સેવક ભાઈઓએ સ્વદેશી વિષયક વ્યાખ્યાનો આપી વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી. આ ચળવળ આગળ જતા 1939 માં પોરબંદર રીયાસતમાં યુવક સંઘના પાયા નખાયા હતા જેના પ્રમુખ વરજીવન વેલજી ઢાંકી, મંત્રી મથુરદાસ ભુપ્તા હતા. તેમણે ઈ.સ. 1942 ની હિન્દ છોડો લડત દરમિયાન પોરબંદરમાં સભા સરઘસ, પ્રભાતફેરીઓ કરી આઝાદીની ચળવળને જાગૃત કરી હતી. રાષ્ટ્રીય ચળવળનું દમન કરવાના ઈરાદે રાજ્યની પોલીસે આમ તો પોરબંદરમાં અહીંસક માર્ગ અપનાવ્યો હતો. રાજ્યની પોલીસ દ્વારા યુવક સંઘના કાર્યકરોની ધરપકડ કરી અજ્ઞાત સ્થળોએ લઈ જવામાં આવતા હતા.

દરમિયાનમાં પોરબંદરના રાણા નટવરસિંહજી, ઉદયભાણ, મેરૂભા મેઘાણંદ ગઢવી અને રીયાસતના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વતંત્ર સૈનિકો સાથે રૂબરૂ મુલાકાત યોજી હતી. રાણા નટવરસિંહજી લોકપ્રશ્નોના જવાબો સંતોષકારક રીતે આપતા હતા. તેવામાં ટોળામાંથી કોઈ ટીખ્ખળે હીંસાનો આશરો લઈ પથ્થરના ઘા રાણા તરફ ફેંકતા મામલો બીચકી ગયો હતો અને રીયાસતના સ્ટાફે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે પોરબંદર રીયાસતમાં અઠવાડીયાની હડતાલ પડી હતી અને ટીખ્ખળખોર અસામાજીક ઉગ્ર ચળવળીયાઓ સામે રાજ્ય દ્વારા કડક નીતિ અપનાવાતા પ્રજાપ્રિય રાજવીને કાળી ટીલી લાગી હતી.

પોરબંદરના કારીગરે અનોખી ઉજવણી કરી હતી
આઝાદીની ઉજવણીને વધાવવા પોરબંદરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ પોરબંદરના અદના કારીગર ગોવિંદજીભાઈ ગજ્જરે પોતાના કેદારેશ્વર રોડ સ્થિત કલાભવન નામના મકાન પર અનોખું પ્રદર્શન યોજી આ ઉત્સાહને પ્રદર્શિત કર્યો હતો. ગોવિંદજીભાઈએ બેડીઓમાં જકડાયેલી ભારતમાતાની પ્રતિમા બનાવીને મૂકી હતી. રાત્રીના 12 વાગ્યાના ટકોરે ભારત આઝાદ થયું ત્યારે ભારત માતાની બેડીઓ તૂટી જાય તેવી વ્યવસ્થા ઉભી કરી અનોખું પ્રદર્શન યોજ્યું હતું જેને જોવા આખું પોરબંદર ત્યાં ઉમટી પડ્યું હતું.

દેશ આઝાદ થાય તે પહેલા પોરબંદરના રાજા પ્રજાતંત્રને સમજી ચૂક્યા હતા
દેશ આઝાદ થાય તે પહેલા દેશમાં અને પોરબંદરમાં ચાલી રહેલી આઝાદીની ચળવળ જોતા પોરબંદરના રાજવી દેશ આઝાદ થાય તે પહેલા પ્રજાતંત્ર શું છે ? તે સમજી ગયા હતા અને તેથી જ તેમણે 1945 ની સાલમાં રાજ્ય વહીવટી પ્રજાને સોંપી દીધો હતો. દરેક જ્ઞાતિના પ્રતિષ્ઠીત પ્રતિનિધિને ચૂંટી કાઢી ધારાસભાના ચેરમેન તરીકે યુવરાજ ઉદયભાણસિંહજીને વહીવટ સોંપી મહારાણા નટવરસિંહજીએ રાજ્ય વહીવટમાંથી નિવૃતી લઈ લીધી હતી. ત્યારથી લઈ 29/3/1948 સુધી પોરબંદર રાજ્યનો વહીવટ ધારાસભ્ય મારફત કરાયો હતો.

ભારત સંઘમાં ભળ્યા બાદ પોરબંદર રાજ્યનું લશ્કર સૌરાષ્ટ્ર રાજ્યનું લશ્કર બની ગયું
ભારત દેશને 15 મી ઓગષ્ટ 1947 ને આઝાદી મળી ગયા બાદ તે વખતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવાનું કાર્ય ચાલી રહ્યું હતું અને આ કાર્યના ભાગસ્વરૂપે કાઠીયાવાડનું સંયુક્ત રાજ્ય સ્થાપવા રાજવીએ કરેલા કરારનામા મુજબ રાજસ્થાન સૌરાષ્ટ્રની સ્થાપના થતા પોરબંદર રાજ્યના મહારાજા નટવરસિંહજીએ કરાર નામાની કલમ (6) (1) મુજબ 29 માર્ચ 1948 ના રોજ રાજ્યનો વહીવટ સૌરાષ્ટ્ર સરકારને સોંપી દીધો હતો. આ કરારનામામાં પોરબંદર રાજ્યની દરેક મિલ્કત તથા જવાબદાર આ દિવસથી સૌરાષ્ટ્ર રાજ્યની મિલ્કત અને જવાબદારી બની ગયા હતા. આ દિવસથી પોરબંદર રાજ્યનું લશ્કર સૌરાષ્ટ્ર રાજ્યનું લશ્કર બની ગયું હતું.