શહેરમાં નકલી કિન્નરોનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગાદીપતિ કિન્નરે નકલી કિન્નરોને પકડી પોલીસ મથકે પહોંચાડયા હતા. દેવીપૂજક સમાજે કિન્નરોના ત્રાસ અંગે રજુઆત કરી છે. પોરબંદર શહેરમાં હરીશ ટોકીઝ સામે મઠ આવેલ છે. અને આ મઠ ખાતેના ગાદીપતિ પારૂલમાંએ જણાવ્યું હતુંકે, શહેરમાં ત્રીજા માઈલ પાસે, ટોલ નાકા પાસે, કોલીખડા પાસે નકલી કિન્નરો બનીને ઉભા રહી અને વાહનો રોકાવી ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આવા કિન્નરો નકલી છે અને મઠના નથી.
આ ઉપરાંત નકલી કિન્નરો વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં જઈને વેપારીઓ પાસેથી ચોક્કસ રકમ માંગે છે અને માંગણી મુજબની રકમ ન આપે તો ગાળો કાઢે અથવા બદદુઆ આપે છે. આવા નકલી કિન્નરોનો ત્રાસ વધ્યો છે અને નકલી કિન્નરો ગાદીપતિ પારુલમાના નામનો ઉપીયોગ કરતા હોય જેથી ગાદીપતિએ સ્થળ પર પહોંચી આવા કિન્નરોને પકડીને ઉદ્યોગનગર પોલીસ મથકે સોંપી દીધા હતા.
આ અંગેનો વિડિઓ પણ બનાવ્યો હતો અને વાયરલ કર્યો છે. આ ઉપરાંત દેવીપૂજક સમાજના આગેવાનોએ પણ કલેક્ટર અને એસપીને લેખિતમાં રજુઆત કરી છેકે, કિન્નરો શુભ પ્રસંગે આવી અને રૂ. 5 હજાર રકમ માંગે છે. અને ન આપીએ તો હરકતો કરી ગાળો કાઢી શ્રાપ આપે છે. નાના વર્ગના પરિવારોને રૂ. 5 હજાર પોસાય નહિ જેથી આ મુશ્કેલીનું સમાધાન કરવા અરજ કરી છે.
નકલી કિન્નરોને કાયદાકીય સમજ આપી - PSI
ઉદ્યોગનગરના પીએસઆઇ શીતલ સોલંકીએ જણાવ્યું હતુંકે, નકલી કિન્નર સામે કાયદા મુજબ કાર્યવાહી ન થઈ શકે. બહુરૂપીઓ પણ ભિક્ષા માંગતા હોય છે. જેથી પોલીસ મથકે લાવેલા કિન્નરોને કાયદાકીય સમજ આપી હતી અને કોઈને હેરાન ન કરવાની સૂચના આપી જવા દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.