લોકશાહીના પર્વમાં જોડાવા લોકોને અપીલ:પોરબંદરના આંગણેથી કલેકટરે અવસર રથનું પ્રસ્થાન કરાવ્યું; લોકોને મતદાન કરવા જાગૃત કરશે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાઈને વધુને વધુ લોકો મતદાન કરે તેની દરકાર ભારતનું ચૂંટણીપંચ રાખી રહ્યું છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2017માં જે વિધાનસભા મતદાન વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ દ્વારા ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

કલેકટરે મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા લોકોને અપીલ કરી
જે અંતર્ગત આજે તા.12 નવેમ્બરના રોજ પોરબંદરની એમ.ઇ.એમ. ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અશોક શર્માએ અવસરરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર અશોક શર્માએ લખેલું મતદારોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડતું 'આવો કરે મતદાન' ગીત સ્કૂલની બાળાઓએ પ્રસ્તુત કર્યું હતું. આ તકે કલેકટરે મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાવા લોકોને અપીલ પણ કરી હતી. આ રથ 83-પોરબંદર તથા 84-કુતિયાણા વિધાનસભા વિસ્તારના ગત વિધાનસભા ચૂંટણીમાં જે મથક વિસ્તારમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકો ધરાવતા વિસ્તારમાં અવસર રથ ફરશે.

લોકોને મતદાન કરવા જાગૃત કરાશે
​​​​​​​
લોકશાહીના આ અવસરે દરેક મતદાર ઉત્સાહસભર જોડાય તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તે માટે ‘‘સ્વીપ’’ દ્વારા ખાસ પ્રયાસો હાથ ધરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે. અવસર રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા કલેકટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામા, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા સહિત બી.એલ.ઓ તથા ઝોનલ અને શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...