પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામની બાજુમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર ફાર્મ હાઉસ મુકામે અબોટી બ્રાહ્મણ અગ્રણી દીપક જમન ઓડેદરા પરિવાર દ્વારા આગામી તારીખ 30 માર્ચ 2023થી 7 એપ્રિલ 2023 સુધી શિવભક્તો માટે એક ભવ્યાતીભવ્ય શિવકથાનું આયોજન થઇ રહ્યું છે. જેમાં ભગવાન શિવજીના પરમ ઉપાસક અને ગુજરાતના જાણીતા અને વક્તા એવા પરમપૂજ્ય ગિરિબાપુ એમના શ્રીમુખે એમની આગવી અને અનોખી શૈલીમાં ભવ્ય શિવકથાનું રસપાન કરાવશે. યજમાન ઓડેદરા પરિવારની દીકરીના જન્મદિવસ નિમિત્તે ઘર આંગણે એ જ દિવસે કથાનો પ્રારંભ થાય એવી યજમાનની મંગલ કામનાનો પૂજ્ય ગિરિબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો અને એ શિવકથા માટે એ જ દિવસે શ્રીફળ ફાળવી આપ્યા.
શિવકથા એ માનવ જીવનમાં આવનારી તમામ આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ આપનારી છે. પરમ મોક્ષદાતા શિવજીની આ કથા, કે જેના શ્રવણ માત્રથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ પીડાઓથી સહજ રીતે છૂટકારો પ્રાપ્ત થાય છે. આવી પરમ હિતકારી શિવકથા સાંભળવા માટે યજમાન પરિવાર દ્વારા સર્વે શિવ ભક્તોને જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. એક અઠવાડિયા સુધી ચાલનારી આ પાવનકારી શિવકથા સાંભળવા આવનાર તમામ ભક્તજનો માટે પ્રસાદી તેમજ ઉતારા માટે પણ સુંદર વ્યવસ્થા ઓડેદરા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. વળી વિશેષ નિમંત્રિત મહેમાનો માટે ક્થા-મંડપ સુધી પહોંચવા માટે ચોક્કસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ભારતીય સમાજમાં હિંદુ ધર્મની આસ્થા અને દેવ પરંપરાનો હેતુ જળવાય અને શિવજીના ગુણ વિશેષનું દિવ્યગાન થાય ત્યારે વધુને વધુ શિવભક્તો કથાનો બહોળો લાભ લઇ શકે એ શુભ આશયથી યોજાનાર આ ક્થાનું લાઈવ પ્રસારણ શ્રી ગિરિબાપુ ઓફિસિયલ યુ-ટ્યુબ ચેનલ, સદવિદ્યા, ડી-લાઈવ, આસ્થા, આસ્થા ભજન તેમજ આસ્થા ઈન્ટરનેશનલ ચેનલ પર થવાનું છે..
પ્રસ્તુત કથા માટે સૌરાષ્ટ્ર ગુજરાતના સર્વે સાધુસંતો, મહંતોને સાદર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા કથાના આમંત્રણની સાથે યજમાન દ્વારા રાણાવડવાળા, ભોદ, મોર, વનાણા, ટુકડા, રાણાવાવ, પોરબંદર, ગઢવાણા, જમરા બળેજ, કેરમોળા, રાણા કંડોરણા, રાણા ખીરસરા, અણીયારી જેવા આસપાસના અનેક ગામોમાં કથાના દિવસો દરમિયાન ગૌશાળાની ગાયો માટે નીરણ તથા પક્ષીની ચણ માટે રૂપિયા 11,111થી રૂપિયા 51,111નું અનુદાન ગ્રામ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ફાળવવામાં આવેલું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.