કાર્યવાહી:જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં અકસ્માતના 84 બનાવ બન્યા કુલ 48 વ્યક્તિના મોત નિપજ્યા, 135ને ઈજા પહોંચી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ એક માસમાં કુલ 563 કેસ નોંધાયા, કુલ રૂ. 4.25 લાખનો દંડ ફટકાર્યો

જિલ્લામાં જાન્યુઆરી થી ઓકટોબર 2022 સુધીમાં અકસ્માતના 84 બનાવ બન્યા હતા જેમાંથી કુલ 48 વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે 135 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ટ્રાફિક નિયમના ભંગ બદલ 1 માસમાં કુલ 563 કેસ નોંધાયા હતા જેમાં કુલ રૂ. 4.25 લાખનો દંડ ફટકાર્યો છે.

પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી 2022 થી ઓકટોબર 2022 સુધીમાં જિલ્લામાં 84 જેટલા વાહન અકસ્માતના બનાવ બન્યા હતા જેમાંથી 48 વ્યક્તિના મોત થયા હતા. તેમજ 135 વ્યક્તિને ગંભીર તેમજ સામાન્ય ઈંજાઓ પહોંચી હતી.

જીલ્લામાં ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી બન્યું છે. ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઓકટોબર માસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કુલ 563 કેસ કર્યા છે. કુલ રૂ. 4,25,500નો દંડ ફટકાર્યો છે, જેમાં હેલ્મેટ ન પહેરનાર 47 વાહન ચાલકો સામે કેસ કરી કુલ રૂ. 23,500નો દંડ વસૂલ કર્યો હતો. વાહનમાં સીટ બેલ્ટ ન પહેર્યા હોય તેવા 261 કાર ચાલકો સામે કેસ કરી કુલ રૂ. 1,30,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરનાર 129 ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી કુલ રૂ. 64,500નો દંડ વસૂલ કર્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક નિયમના ભંગ બદલ 56 વાહનો ડીટેઈન કરી કુલ રૂ. 1,78,000નો દંડ ફટકાર્યો હતો. તેમજ નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 12 ચાલકો સામે કાર્યવાહી કરી હતી. અને 58 જેટલા કાળા કાચ ધરાવતી કારના ચાલક સામે કાર્યવાહી કરી કુલ રૂ. 29,000નો દંડ ફટકાર્યો હતો.

ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસની અપીલ
અકસ્માતો ઓછાં બને અને માનવ જીંદગી બચે તે માટે ટ્રાફિક નિયમનું ખાસ પાલન કરવું જોઈએ જેમાં વાહન ધીમે ચલાવવું, ચાલુ વાહને સેલફોનનો ઉપયોગ ન કરવો, સીટ બેલ્ટ ફરજીયાત પહેરો, કેફી પીણું પી વાહન ન ચલાવો, હેલમેન્ટ ફરજીયાત પહેરવાની ટેવ પાડો, વાહન જ્યા ત્યાં પાર્કિંગ કરી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ અને પ્રજાને સહકાર આપવા ટ્રાફિક પોલીસ દ્વારા વધુ એક વખત અપીલ કરવામાં આવી છે.

પશુઓના કારણે અકસ્માત
નેશનલ હાઇવે પર તેમજ રોડ પર રઝળતા પશુ રોડ વચ્ચે બેઠા હોય છે તેમજ રસ્તા પર પશુઓ દોડધામ કરતા હોય તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા પશુઓને રસ્તા વચ્ચેથી હટાવી પશુના શિંગડા પર રેડિયમ રિફલેક્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...